ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (16:45 IST)

રાજકોટમા પાણીની તંગી થઈ તો સીએમનો રાજકોટ પ્રવેશ બંધ - વિપક્ષની ચીમકી

સૌરાષ્ટ્રના સહિત રાજકોટમાં ચાલુ વર્ષે સારો વરસાદ થવા છતાં ઉનાળાની શરૂઆત પહેલા પાણીની રામાયણ જોવા મળી રહી છે. રાજકોટના તમામ જળાશયોમાં આગામી બે થી ત્રણ માસ ચાલે તેટલું જ પાણી જોવા મળી રહ્યું છે. પાણીની સમસ્યાને લઇ રાજકોટમાં જળ સંકટ ઘેરૂ બન્યું છે. જો કે આ મુદે મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠિયા લાલઘૂમ બન્યા હતા અને કહ્યું હતું કે જો ભર ઉનાળે પાણીકાપ નાંખવામાં આવશે તો મુખ્યમંત્રી રૂપાણીને રાજકોટમા પ્રવેશવા દેવામાં નહી આવે.

રાજકોટના જળાશયોમાં તળિયા દેખાતા વિરોધ પક્ષ દ્વારા આ શાસકપક્ષની અણ આવડત ગણાવવામાં આવી હતી સાથે જ જણાવ્યું હતું કે , ભાજપ સરકાર ચૂંટણી સમયે મસ મોટા વાયદા કરી મત મેળવે છે અને ઉનાળા દરમિયાન લોકોને પાણી અંગે મુશ્કેલી થશે તો રાજકોટના લોકોને સાથે રાખી મેયર, કમિશ્નરનો ઘેરાવની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જરૂર પડ્યે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સાગઠિયાએ વધુમાં જણાવ્યું હતું કે, બજેટમાં લદાયેલો બમણો પાણીવેરો દૂર નહીં કરાય તો મેયરને શાંતિથી બેસવા દેવામાં નહીં આવે. ભાજપ શાસિત મનપાના અધિકારીઓ અને શાસક પક્ષ દ્વારા સૌની યોજના મારફત ફરી આજી ડેમ ભરવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આગામી સમયમાં રાજકોટ મનપાના સતાધીશો દ્વારા જો ત્વરિત નિર્ણય લેવામાં નહીં આવે તો રાજકોટવાસીઓ માટે પાણીનો પ્રશ્ન ફરી એક વખત વિકટ બની રહેશે.