બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (16:47 IST)

આત્મવિલોપનની આગઃ પાટણની ઘટનાથી નારાજ રૂપાણીએ માંગ્યો રિપોર્ટ, જાણો પળે પળની માહિતી

પાટણની ઘટનાને લઈને સીએમ વિજય રૂપાણી નારાજ થયા છે. 19મી ફેબ્રુઆરીથી જ્યારે વિધાનસભાનું સત્ર મળી રહ્યું ત્યારે પાટણની ઘટનાએ સરકારની ટેન્શન વધાર્યું છે. મળતી માહિતી પ્રમાણે સીએમ રૂપાણીએ અધિકારીઓ અંગે પાટણની ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે. તેમજ તેઓ પાટણની ઘટનાને લઈને સમીક્ષા પણ કરશે. રૂપાણી ઘટના અંગે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી અને ગૃહ વિભાગ સાથે સમીક્ષા બેઠક કરશે. તેમજ રૂપાણીએ આ ઘટનાને લઈને કોણ જવાબદાર છે તે અંગે રિપોર્ટ કરવાની પણ સૂચના આપી છે.

ગુરુવારે પાટણની કલેક્ટર કચેરી ખાતે એક વૃદ્ધે જમીન નિયમિત કરવા બાબતે પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાને પગલે આજે (શુક્રવારે) પાટણ શહેર બંધની જાહેરાત કરવામાં આવી છે. મળી રહેલી માહિતી પ્રમાણે બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. અગમચેતીના ભાગરૂપે પાટણમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ પોતાની જાતને આગ ચાંપી લેનાર દલિત વૃદ્ધની હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. પાટણમાં જાતને આગ લગાડી લેનાર વૃદ્ધની હાલમાં ગાંધીનગરની એપોલો હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે વૃદ્ધના શરીરનો 95 ટકા ભાગ બળી ગયો છે. હોસ્પિટલ ખાતે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પાટણના સમી તાલુકાના દદુઆ ગામના ભાનુભાઈ વણકરે પોતે ભોગવટો કરી રહ્યા છે તે જમીને પોતાના નામે કરવા માટે સાત દિવસ પહેલા જ મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત લોકોને રજુઆત કરી હતી. ભાનુભાઈ વણકર પોતે નિવૃત્ત તલાટી છે. રજુઆતની સાથે સાથે તેમણે એવી ચીમકી પણ આપી હતી કે જો તેમને માંગણીનો સ્વીકાર નહીં કરવામાં આવે તો તેઓ આત્મવિલોપન કરશે. તેમની ચીમકીને પગલે પોલીસે પાટણ કલેક્ટર કચેરી ખાતે વિવિધ ટુકડી તૈયાર રાખી હતી. પાટણના દલિત વૃદ્ધના આત્મવિલોપનના પ્રયાસનો મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે. ગુરુવારે આત્મદાહ કરનાર ભાનુપ્રસાદને મળવા માટે ધારાસભ્ય હિતુ કનોડિયા હોસ્પિટલ પહોંચ્યો હતો. તેમની સાતે તેમના પિતા નરેશ કનોડિયા પણ હાજર રહ્યાં હતાં. જોકે, બંનેના વિરોધમાં નારાઓ લાગતા બંનેએ હોસ્પિટલ ખાતેથી ભાગી જવું પડ્યું હતું. આ અંગે સમાધાન માટે રાત્રે બેઠક મળી હતી જેમાં પરિવાર અને સ્થાનિકો દ્વારા વિવિધ માંગણી મૂકવામાં આવી હતી. જેનો સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. આમા મુખ્ય માંગણીઓ આ પ્રમાણે હતી.
1) પોલીસની ભૂમિકાને લઈને ફરિયાદ નોંધવામાં આવે.
2) પરિવારે જે જમીનની માંગણી કરી હતી તે સરકાર તેમને નિયમિત કરી આપે.
3) પાટણ જિલ્લામાં દલિત જ નહીં જે પણ ગરીબ લોકોએ આવી રીતે જમીન નિયમિત માટે રજુઆત કરી છે તેમને જમીન મળવી જોઈએ.
4) પીડિત પરિવારના સારવારનો ખર્ચ સરકાર ઉપાડે અને સહાય પણ આપે.