ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 15 મે 2018 (12:30 IST)

નલીન કોટડિયા લાપતા બન્યા બાદ રહી રહીને પોલીસ જાગી, વિદેશ ભાગે નહીં તે માટે લુકઆઉટ નોટિસ જારી

કરોડોના બીટ કોઇન પ્રકરણના મુખ્ય સુત્રધાર નલીન કોટડિયાને પોલીસે ધરપકડ વોરંટ ઇસ્યું કરીને લુકઆઉટ નોટિસ બજાવી છે. કોટડિયા તેમ છતાં નહી મળી આવે તો સીઆઇડી ક્રાઇમ ભાગેડુ જાહેર કરવાની પણ કાર્યવાહી કરશે. નલીન કોટડિયાને આટલા દિવસ ભાગવા માટે મોકળું મેદાન આપ્યા બાદ રહી રહીને પોલીસ જાગી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. બીટ કોઇન કેસની તપાસમાં સીઆઈડી ક્રાઇમે કિરીટ પાલડીયાની ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં નલીન કોટડિયાને ૬૬ લાખ રૃપિયા આપ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો ત્યારબાદ કોટડિયાને સીઆઇડી ક્રાઇમે બે વખત સમન્સ ઇસ્યુ કર્યા હતા.

જો કે કોટડિયાએ પત્ર લખીને શનિવારે જાતે સીઆઇડી સમક્ષ હાજર થવાની ખાતરી આપી હતી ત્યારબાદ પણ ગુજરાત બહાર ભાગી ગયા હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસે તેમની ધરપકડ કરવા માટે છ ટીમો ગુજરાત અને રાજય બહાર કાર્યરત કરવામાં આવી છે. બીટ કોઇનની તપાસ તેજ થઇ રહી હતી પરંતુ કોટડિયા પોલીસને હાથ તાળીને આપીને ભાગી જતાં હવે પોલીસ પણ મુંઝવણ અનુંભવી રહી છે, તપાસમાં પણ વિલંબ આવી ગયો છે. પોલીસ તરફથી મળતી માહિતી મુજબ કોટડિયા મોબાઇલ પણ ઘેર મૂકીને જતા રહ્યા હોવાથી લોકેશન મળતું નથી, જો કે તેઓ વિદેશ ભાગી ના જાય તે માટે સીઆઇડી ક્રાઇમે દેશના તમામ એરપોર્ટ પર લુકઆઉટ નોટિસ જારી કરી છે.