ગુજરાતમાં ઠંડા પવનને કારણે તાપમાન ઘટ્યું, હજી બે દિવસ કોલ્ડ વેવ
ઉત્તરાયણ ગયા બાદ પણ રાજ્યમાં ઠંડી ઘટવાનું નામ નથી લઈ રહી. ઠંડીમાં વચ્ચે એકાદ-બે દિવસ રાહત રહ્યા બાદ ફરી ગુરુવારથી રાજ્યમાં તાપમાન ગગડી રહ્યું છે. હિમાચલ, પંજાબ, દિલ્હી અને હરિયાણામાં કરા સાથે વરસાદ પડ્યા બાદ રાજ્યમાં પણ ઠંડી ચમકારો બતાવી રહી છે. રાજ્યમાં બુધવારે મોડી રાતથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, જેને કારણે ગુરૂવારે ઠંડીમાં વધારો થયો હતો અને સૂસવાટા મારતા પવનોથી લોકો ઠુઠવાયા હતાં. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ બે દિવસ ઠંડી પડી શકે છે.
ગુરુવારે અમદાવાદમાં પવનની ગતિ 20-25 કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી, જેને કારણે તાપમાન એક જ દિવસમાં 5 ડિગ્રી ઘટ્યું હતું. અમદાવાદમાં મહત્તમ 24.6 ડિગ્રી, લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી પહોંચ્યું હતું. જેના કારણે વાતાવરણમાં ઠંડક વધી હતી. આગામી બે દિવસમાં રાજ્યમાં ઠંડી વધી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં તાપમાન ફરી 9 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.