1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 7 સપ્ટેમ્બર 2019 (14:03 IST)

ગણેશ વિસર્જન સમયે વાત્રક નદીમાં એક જ ગામનાં 6 યુવાનો ડૂબ્યા

ઉત્તર ગુજરાતના અરવલ્લી જીલ્લાનાં ધનસુરા તાલુકાનાં ખડોલ નજીક પસાર થતી વાત્રક નદીના પટમાં ગઇકાલે ગણેશ વિસર્જન કરવા ગયેલા કેશરપુરા ગામનાં 6 યુવાનો નદીમાં ડૂબી જતાં ચકચાર મચી હતી. તમામ યુવાનોનાં મૃતદેહ મળી ગયા છે. શનિવારે સવારે 9 કલાક સુધીમાં કુલ પાંચ યુવાનોનાં મૃતદેહ મળ્યાં હતા જ્યારે એક યુવાન લાપતા હતો તે યુવકની શોધખોળ ચાલી રહી હતી. એક જ ગામનાં 6 યુવાનો ડૂબવાથી ખુશીનાં માહોલમાં આક્રંદ છવાઇ ગયો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ગણેશજીની પ્રતિમાનાં વિસર્જન માટે ગઇકાલે શુક્રવારે બપોરે કેશરપુરા ગામનાં યુવકો વાજતે-ગાજતે વાત્રક નદીના પટમાં પહોંચ્યા હતા. ઉપરવાસમાં વરસાદના પગલે વાત્રક નદીમાં ગણપતિની મૂર્તિને ડૂબાડવા જતા નદીના પ્રવાહમાં 7 યુવકો એકાએક નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતાં. જે બાદ સ્થાનિક તરવૈયાઓએ 1 યુવકને બચાવી લીધો હતો. અન્ય 6 યુવાનો પાણીના પ્રવાહમાં તણાઇ ગયા હતા. જેમાં ગઇકાલે બે યુવાનો, રાતે એક યુવાનનો અને આજે સવારે અન્ય બે યુવાનનાં મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યાં છે. જ્યારે હજી એક યુવાનનાં મૃતદેહની શોધખોળ ચાલી રહી હતી તેનો પણ મૃતદેહ મળી ગયો છે.આ યુવાનો કેશપુરા ગામનાં સોલંકી લાલાભાઈ જયંતિભાઈ અને સોલંકી જતીન વિઠ્ઠલભાઈ, સોલંકી ગોપાલ નટુભાઈ (ઉં.વ. 23), સોલંકી ભાવેશ સુરેશભાઈ (ઉં.વ. 18), સોલંકી કનુભાઈ (ઉં.વ. 34), સોલંકી યશવંત (ઉં.વ. 35) ડૂબ્યાં હતાં.ઘટનાસ્થળે મોડાસા અને બાયડ ફાયેબ્રિગેડની ટીમોનાં તરવૈયાઓ સાથે પહોંચી ભારે શોધખોળ આદરી હતી. વાત્રક નદીમાં કેશરપુરા ગામના 6 યુવકો ગણેશ વિસર્જનમાં નદીના વહેણમાં ડૂબી જતા ભારે રોકોક્કળ મચી હતી. યુવકોના પરિવારજનોએ ભારે આક્રંદ કર્યું હતું.