શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 એપ્રિલ 2020 (13:59 IST)

વડોદરામાં સગર્ભા મહિલા કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ

વડોદરામાં સગર્ભા મહિલા કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. અત્યાર સુધી વડોદરા શહેરમાં 3 દર્દીને સાજા થયા બાદ રજા આપવામાં આવી છે અને 14 દિવસના હોમ ક્વોરન્ટન પર રાખવામાં આવ્યા છે.વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલી વધુ એક મહિલા દર્દી સંપૂર્ણ સાજી થઇ જતા

આજે સવારે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે 2 મહિલા અને 1 પુરુષ મળીને વડોદરામાં 3 દર્દી કોરોના મુક્ત થયા છે. કલેક્ટર શાલિની અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, 29 વર્ષની ઉંમરની આ મહિલા દર્દી 21મી માર્ચના રોજ શંકાસ્પદ કોરોનાના લક્ષણો સાથે દાખલ કરવામાં આવી હતી અને 22 માર્ચના રોજ તેમનું સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું. આઇસોલેશન વોર્ડમાં તેમની નિર્ધારિત મેડિકલ ગાઈડ લાઈન પ્રમાણે કરવામાં આવેલી સારવાર કારગર નીવડી છે. આ મહિલા સગર્ભા હોવાથી આકસ્મિક સંજોગોમાં કોઈ જરૂરિયાત ઉદભવે તે વાતને ધ્યાનમાં રાખીને તેમના વોર્ડની નજીક પ્રસૂતિની તમામ તબીબી સુવિધા ઊભી કરવામાં આવી હતી. આ મહિલા સાથે 9 પોઝિટિવમાંથી 3 સંપૂર્ણ સાજા થયા છે. એકનું મૃત્યુ થયું છે અને 5 દર્દી સારવાર હેઠળ છે. દવાખાનામાંથી રજા આપતાં પહેલા એમનો રિ-ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવતા તમામ નિર્ધારિત પ્રોટોકોલ અનુસરી એમને રજા આપવામાં આવી છે. હવે તેઓ નિરીક્ષણ હેઠળ 14 દિવસ હોમ ક્વોરેન્ટીનમાં રખાશે.