મંગળવારે અમદાવાદમાં એકપણ પોઝિટિવ કેસ નહીં, હજુ 20 લોકોના રિપોર્ટ બાકી

Last Updated: બુધવાર, 25 માર્ચ 2020 (15:02 IST)

અમદાવાદ શહેરમાં 4 દિવસ પછી મંગળવારે કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. અત્યાર સુધી શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 13 છે. જો કે, હજુ 20 શંકાસ્પદ લોકોનો રિપોર્ટ બાકી હોવાનું જાણવા મળ્યું છે. આમાંથી મંગળ‌વારે 12 નવા શંકાસ્પદ કેસ આવ્યા હતા. જ્યારે સોમવારે જે 15 લોકોના રિપોર્ટ બાકી હતા તેમાંથી 7નાં રિપોર્ટ નેગેટિવ જાહેર કરાયા હતા. જ્યારે 8 લોકોના રિપોર્ટ હજુ આવવાના બાકી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 8 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે, જયારે સોમવારે રાત્રે દાખલ કરાયેલાં 7 શંકાસ્પદ દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યાં છે. જયારે મંગળવારે વધુ 16 શંકાસ્પદ દર્દીને દાખલ કરાયા છે. સિવિલના આઇસોલેશન વોર્ડમાં હાલમાં કુલ 8 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે, તેમજ મંગળવારે રાત્રે વધુ 6 શંકાસ્પદ દર્દીને સારવાર માટે દાખલ કરાયા હતા. આ છ દર્દીનાં સેમ્પલ લેવાયા હતા, જેમનો મંગળવારે રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે. મંગળવારે કોરોનાના વધુ 16 શંકાસ્પદ દર્દીને સિવિલમાં લવાયા હતા, હોસ્પિટલ દ્વારા તમામ 16 લોકોનાં સેમ્પલ લઇને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા છે, જેમનાં રિપોર્ટ આવવાના બાકી છે.મંગળવારે પણ ક્વોરન્ટાઈનમાં મૂકાયેલા દર્દીઓ બહાર ફરતા હોવાની સંખ્યાબંધ ફરિયાદો મ્યુનિ.ને મળી હતી. આ પછી જે તે ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરને જે તે સ્થળે આવ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરાઈ હતી.
મ્યુનિ.ના હેલ્પ લાઈન નંબર અને 104 પર પણ રોજની સંખ્યાબંધ
ફરિયાદો ક્વોરન્ટાઈનમાંથી ભાગી જવાની મળતી હોવાનું મનાય છે. આગામી દિવસોમાં મ્યુનિ. માત્ર તેઓ દ્વારા ઊભા કરાયેલા ક્વોરન્ટાઈનમાં જ દર્દીઓને એડમિટ કરશે. સોમવારે રાત્રે દુબઈથી એક યુવતી શહેરમાં આવી હતી. જો કે, આ યુવતી ઘરે પહોંચે તે પહેલાં જ સ્થાનિક રહીશોએ હેલ્પલાઈન પર ફોન કરી ફરિયાદ કરી હતી કે, યુવતી એક મંદિરના પૂજારીની દીકરી છે. હાલ પરિવાર એક જ રૂમમાં રહે છે. માટે પૂજારી દીકરીને મળ્યા પછી મંદિરમાં આવે તો ચેપની શંકા છે. રહીશોએ પરિવારને અલગ ખસેડવા માંગ કરી હતી. પરંતુ હેલ્થની ટીમે લોકોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.


આ પણ વાંચો :