બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 7 એપ્રિલ 2018 (14:45 IST)

રાજકોટમાં પાટીદાર યુવાન પર ભેદી કારણોસર એસિડ એટેક, હુમલાખોર સીસીટીવીમાં કેદ

શહેરના રણછોડનગર શેરી નંબર ૪માં રહેતા ધર્મેશ સિંધાણી નામના ૩૦ વર્ષના પટેલ કારખાનેદાર ઉપર ગઈકાલે રાત્રે તેના લાતીપ્લોટ શેરી નંબર ૧૩માં સ્થિત રોયલ પોલીટેક નામના કારખાના બહાર અજાણ્યા બુકાનીધારી શખ્સે એસિડથી હુમલો કરતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે આ હુમલો કોણે અને ક્યા કારણસર કર્યો તે બાબતે રહસ્ય સર્જાયું છે. બી ડિવીઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ આરંભી છે. સાથે ક્રાઈમ બ્રાંચ પણ તપાસમાં જોડાઈ છે.  ક્રાઈમ બ્રાંચે તપાસમાં ઝૂકાવ્યું એસિડ એટેકનો ભોગ બનનાર ધર્મેશ કારખાનામાં ક્લેરીકલ કામ સંભાળે છે.

જ્યારે કારખાનાનો બધો વહીવટ તેનાં પિતા સામતભાઈ અને ભાગીદાર વિપુલ વેકરીયા સંભાળે છે. ગુરુવારે રાત્રે ત્રણેય કારખાનેથી ઘરે જવા માટે અંદાજે ૯-૪૫ વાગ્યે બહાર નિકળ્યા હતા. ત્યારબાદ લલીતભાઈ ઘર વોકિંગ ડિસ્ટન્સ હોવાથી પગપાળા નિકળ્યા હતા. તેના ભાગીદાર વિપુલભાઈ પણ એકલા રવાના થયા બાદ પાછળથી ધર્મેશ પોતાની કારમાં બેઠો હતો. કાર સ્ટાર્ટ કરી હતી પરંતુ ત્યાં કાર આગળ વધી ન હતી કારણ કે સંભવતઃ હુમલાખોરે જ કારના પાછળના વ્હીલમાં ઈંટ રાખી દીધી હતી. કાર આગળ નહીં વધતા ધર્મેશ કારને સ્ટાર્ટ જ રાખી નીચે ઉતર્યો હતો અને તપાસ કરતો હતો ત્યાં જ અજાણ્યો બુકાનીધારી શખ્સ ધસી આવ્યો હતો અને તેની ઉપર એસિડથી હુમલો કરી ભાગી ગયો હતો. જે એસિડને કારણે શરીરમાં જલન શરૃ થઈ ગઈ હતી. તેના હાથ, ખભા, સાથળ, આંખમાં અને તેની બાજુમાં એસિડ ઉડતા તેને ચક્કર આવી ગયા હતા. તેણે મહામહેનતે પોતાની જાત પર કાબુ મેળવી ચાવીથી કારખાનાનો ગેઈટ ખોલી માણસોને બૂમો પાડી હતી. આ પછી પાણીની નળીની મદદથી પાણી છાંટી એસિડની અસર ઓછી કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ જાણ થતા તેના પિતા સહિતના પરિવારજનો ત્યાં દોડી આવ્યા હતા અને તેને ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા. ત્યાં પહોંચી બી ડિવીઝન પોલીસે તેની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો હતો. પોલીસને ધર્મેશ અને તેના પિતાએ જણાવ્યું કે તેમને કોઈની સાથે માથાકૂટ કે વિવાદ ચાલતા નથી. આ સ્થિતિમાં હુમલો કોણે કર્યો તે તેમને પણ સમજાતું નથી. પરિણામે પોલીસ પણ મુંઝવણમાં મુકાઈ ગઈ છે. ઘટનાસ્થળ પાસેથી પોલીસને સીસી ટીવી ફૂટેજ મળ્યા છે. તેમાં હુમલાખોર કેદ પણ થઈ ગયો છે. જો કે તેનો ચહેરો બુકાનીને કારણે દેખાતો નથી. આજે બી ડિવિઝન પોલીસે સ્થળની મુલાકાત લઈ માહિતી મેળવી હતી. ક્રાઈમ બ્રાંચ પણ આ રહસ્યમય ઘટનાનો તાગ મેળવવા મથી રહી છે.