સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 ફેબ્રુઆરી 2018 (13:49 IST)

જાણો હાર્દિક પટેલે રાજ્યપાલ કોહલીની મુલાકાતમાં શું કહ્યું?

પાસ નેતા હાર્દિક પટેલે કહ્યું છે કે, જો ઇલેકશન કમિશન તટસ્થ રીતે કામ કરતું હોય તો ભાજપના જે બે ધારાસભ્યોએ પંચના નિયમો કરતા વધુ ચૂંટણી ખર્ચ કર્યો છે તેમને ગેરલાયક ઠરાવવા જોઇએ તો જ તે કોઇ પૂર્વગ્રહ વગર કામ કરે છે તે સાબિત થઇ શકશે. હાર્દિકે રાજયપાલ ઓ.પી. કોહલીને મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં બંધારણીય અધિકારોનું રક્ષણ કરવા માગણી કરી હતી. સાથે ભાજપ સરકાર લોકોની પર ખોટા કેસ ન કરે તે માટે રાજયપાલ સૂચના આપે તેમ પણ જણાવ્યું હતું. લોકસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા નવા નવા કેસ રચીને જેલમાં નાખવાનું કાવતરું રચી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. હાર્દિકે રાજયપાલને મળીને અનેક મુદ્દે નાગરિક તરીકેના સામાન્ય બંધારણીય અધિકારોનું હનન થઇ રહ્યું હોવાથી રક્ષણ આપી ન્યાય આપવા માગણી કરી હતી. હાર્દિકે રાજયપાલને લેખિતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં શું ચાલી રહ્યું છે તે અંગે બંધારણીય વડાને લેખિત આવેદનમાં જણાવવું જરૂરી છે. અઢી વર્ષથી રાજયમાં જે યોગ્ય ચાલી રહ્યું નથી તેની સામે અમે અવાજ ઉઠાવી રહ્યા છે પરંતુ તમારી સરકાર તેમ કરતા અટકાવી રહી છે. સરકાર દ્વારા રોજ એક નવો કેસ નોંધીને પાસને પરેશાન કરાતો હોવાનો આક્ષેપ કરતા હાર્દિકે જણાવ્યું હતું કે, પાસ તેની પ્રવૃત્તિ બંધ કરી દે તે માટે સરકાર દ્વારા આમ કરાઈ  રહ્યું છે. લોકસભાની ચૂંટણીમાં સરકાર પોતાની મરજી મુજબ વર્તી શકે તે માટે અત્યારથી જ બધી તૈયારી શરૂ કરી  છે.  રાજયપાલ દ્વારા જ આ સરકારને એવા શપથ લેવડાવાયા હતા કે, સરકાર કોઇની પર અત્યાચાર કરશે નહીં કે કોઇની સાથે રાગ-દ્રૈષથી વર્તશે નહીં, પરંતુ મુખ્યમંત્રી ભેદભાવપૂર્વક વર્તી રહ્યા છે અને બંધારણનો પણ ભંગ કરી રહ્યા છે. તેથી અમારી માગણી છે કે સરકારને યોગ્ય સૂચના અપાય કે ગુજરાતના કોઇ પણ નાગરિક પ્રત્યે રાગ કે દ્રેષ રાખવામાં આવે નહીં. કોઇની સામે ખોટા કેસ કરવામાં ન આવે કે ખોટી રીતે કાર્યવાહી કરતા તમે અટકાવો તેવી પણ અમારી માગણી છે.  ચૂંટણી દરમિયાન ચૂંટણી કમિશન અને ચૂંટણી તંત્ર પાસની ટીમને સતત અવરોધરૂપ બની રહી હતી. ચૂંટણી પંચ સત્તાધારી પક્ષના ઇશારે કામ કરતું હતું. ૧૪૪ની કલમનો સતત ઉપયોગ સભા રોકવામાં કરવામાં આવતો હોવાથી તેને રોકવાની માગ પણ હાર્દિકે કરી હતી.