રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 25 ઑગસ્ટ 2018 (12:33 IST)

કેટલાક લોકો સમાજમાં અશાંતિ ફેલાવવા માટે કામ કરી રહ્યાં છે - નીતિન પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિનો કન્વીનર હાર્દિક પટેલ આજે અમદાવાદમાં આમરણાંત ઉપવાસ શરૂ કરવાનો છે. આ માટે રાજ્યભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો બીજીતરફ હાર્દિકના આંદોલનને સમર્થન આપવા માટે અમદાવાદ આવી રહેલા અનેક કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી છે. મોટાભાગના જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ હાર્દિકના ઉપવાસને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે જણાવ્યું કે, કેટલાક લોકો સમાજમાં અશાંતિ ફેલાવવા માટે કામ કરી રહ્યાં છે. તેઓ સમાજને તોડવા અને ભાગલા પડાવવા માટે કામ કરે છે. આવા લોકોને ગુજરાતની જનતા જાણે છે. 
બીજીતરફ હાર્દિક પટેલે ઉપવાસ પહેલા એક પત્રકાર પરિષદને સંબોધી હતી. તેણે કહ્યું કે, ગમે તે થાય ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. ગુજરાત પોલીસ બંધારણની વિરુદ્ધમાં કામ કરી રહી છે. પોલીસ પણ ભાજપના ઈશારે કામ કરી રહી છે. તેણે કહ્યું કે, ઉપવાસ આંદોલનને રોકવા માટે સરકાર અંગ્રેજ બની ગઈ છે. રાજ્યભરમાંથી 16 હજાર કરતા વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. આ સાથે જે લોકો અમદાવાદ આવવા ઈચ્છે છે તેને પણ પોલીસ રોકી રહી છે. હાર્દિકે કહ્યું કે, લોકો સમર્થન આપવા માટે ગામડે ગામડે ઉપવાસ કરે. આ સાથે તેણે શાંતિ જાળવવાની પણ અપીલ કરી છે.  હાર્દિકે કહ્યું કે, મારા ઘરે આવતા ધારાસભ્યોને પણ રોકવામાં આવ્યા હતા. ગમે તે થાય હું 3 વાગ્યે મારા ઉપવાસ શરૂ કરીશ. પોલીસે ગઈકાલથી જ અમારા સમર્થકોની અટકાયત કરવાની શરુ કરી દીધું છે. કોઇપણ જગ્યાએ અમને ઉપવાસ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.