પાંચ હીરા નહીં મળવાથી શંકાના આધારે માલિકે કારીગરને માર્યો, સારવાર પહેલાં મોત, ત્રણની ધરપકડ
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક હીરાના કારીગર પર શંકા જતા માલિક અને અન્ય લોકોએ ભેગા થઈને તેને ઢોરમાર માર્યો હતો, જેમાં હીરાના કારીગરને ગંભીર ઇજા થતાં તેનું નિધન થયું હતું. આ સમગ્ર મામલે પરિવારજનોએ હોબાળો કર્યો હતો અને કૃષ્ણનગર પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાવતા હાલ કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પ્રયાસ કર્યા છે, બીજી તરફ સામાન્ય શંકાના આધારે એક વ્યક્તિનું મોત થતા હીરાબજારમાં પણ શોકની લાગણી ફેલાઈ છે.
ઠક્કરનગરમાં હીરા ઘસવાના કારીગરને બંધક બનાવીને હત્યાની ઘટનાએ ચકચાર મચાવી હતી. ઠક્કરનગર વિહાણ કોમ્પ્લેક્સમાં હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા હરેશભાઈ ભાલિયા નામના 45 વર્ષના આધેડની હીરાના કારખાનાના માલિક ધર્મેશ મોરડિયા અને મેનેજર મુકેશ વઘાસિયા તેમજ વિજય ગજ્જર નામના વ્યક્તિએ બંધક બનાવીને લાકડીઓથી માર મારી હત્યા કરી છે. આ આરોપીઓ હીરાના પાંચ નંગ નહિ મળતા હરેશભાઈ પર શંકા રાખીને તેમને માર માર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત હરેશભાઈનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પરિવારનું ગુજરાન ચલાવનાર મોભીની હત્યા થતા પરિવારમાં આક્રોશ વધ્યો છે અને ગુનેગારોને સજા મળે તેવી માગ કરી છે.મૂળ અમરેલી અને હાલ નિકોલની ચાણક્ય પાર્ક સોસાયટીમાં રહેતા હરેશભાઈ ભાલિયા છેલ્લાં 15 વર્ષથી હીરા ઘસવાના કારીગર છે. અમદાવાદના જુદા-જુદા કારખાનામાં હીરાના મથાળાના કારીગર તરીકે હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. મૃતક છેલ્લા 20 દિવસ પહેલાં જ ઠક્કરનગરમાં ધર્મેશભાઈ મોરડિયાના હીરાના કારખાનામાં જોડાયા હતા. હરેશભાઈ પાંચ જેટલા હીરાના નંગ ધર્મેશભાઈને જમા કરાયા વગર ચા પીવા જતા રહ્યા.આરોપીઓએ હરેશભાઈને પકડીને રૂમમાં બંધક બનાવી હીરાના નંગની ઉઘરાણી શરૂ કરી પરંતુ, હરેશભાઈ કંઈ જણાવે તે પહેલાં જ આરોપીઓ દ્વારા તેઓને રૂમમાં ગોંધી રાખીને લાકડીઓથી ફટકા મારતા આધેડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું. આ ઘટનાને લઈને કૃષ્ણનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી કારખાના મલિક સહિત 3ની ધરપકડ કરી છે. 5 હીરાના નંગ નહિ મળતા કારખાના માલિકે કારીગરની જ હત્યા કરી દેતા કારીગરોમાં પણ રોષ વધ્યો છે.. ખરેખર આ હત્યા પાછળ હીરાનો નંગ જવાબદાર છે કે, કોઈ અન્ય કારણ છે જેને લઈને પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે.