અમદાવાદમાં મોલ મલ્ટિપ્લેક્સમાં પાર્કિગ ચાર્જ વસૂલવા હાઈકોર્ટની મંજુરી
મોલ અને મલ્ટિપ્લેક્સમાં પાર્કિંગ ચાર્જ લેવા બાબતે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. આ અંગેની અરજીની સુનાવણી કરતા હાઇકોર્ટે મોલ અને મલ્ટિપ્લેક્સને પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાની પરવાનગી આપી છે. જોકે, હાઇકોર્ટે એવું પણ કહ્યું છે કે પ્રથમ એક કલાક માટે પાર્કિંગને ફ્રી રાખવું પડશે. ત્યાર બાદ જ ચાર્જ વસૂલ કરી શકાશે. એક કલાક બાદ ટુ-વ્હીલર માટે રૂ. 20 અને ફોર વ્હીલર માટે રૂ. 30 પાર્કિંગ ચાર્જ ચુકવવો પડશે. હાઇકોર્ટે ટુ-વ્હીલર અને ફોર વ્હીલર માટે મહત્તમ પાર્કિંગચાર્જ ક્રમશ: રૂ. 20 અને 30 નક્કી કર્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ પ્રતિક્રિયા આપતા મલ્ટીપ્લેક્ષ ઓનર્સ ઓસોસિએશને જણાવ્યું કે હાઇકોર્ટના આદેશ પછી તેમના ખર્ચમાં વધારો થશે. કારણ કે આદેશ પ્રમાણે હવે ડિજિટલ પાર્કિંગ વ્યવસ્થા કરવી પડશે. આ માટે વધારાનો ખર્ચ કરવો પડશે. અમદાવાદ મ્યુનિસિપ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસે હાઇકોર્ટના આદેશ બાદ ટ્રાફિક અને દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી હતી. જે અંતર્ગત પોલીસે તમામ મોલ અને મલ્ટીપ્લેકમાં લેવામાં આવતો ચાર્જ બંધ કરાવ્યો હતો. દરમ્યાન કેટલાક મોલ- મલ્ટિપ્લેક્ષ સંચાલકો દ્વારા હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરી એવી રજૂઆત કરી હતી કે, તેઓ પાર્કિંગમાં વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જેથી તેઓ પાર્કિંગનો ચાર્જ વસૂલી શકે છે.