શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (12:26 IST)

બોલો પાસપોર્ટ માટે અમદાવાદમાં અરજી થઈ અને ઈશ્યુ ઉત્તરપ્રદેશમાં થયો

પાસપોર્ટ જેવા અત્યંત ગંભીર દસ્તાવેજની વિગતોનો વ્યક્તિની જાણ બહાર દુરુપયોગ થયાની શક્યતા દર્શાવતો વિચિત્ર મામલો હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો હતો. જેમાં અમદાવાદની એક વ્યક્તિએ તેમનો પાસપોર્ટ રિન્યૂ કરવાની અરજી આપી તો તેમના નામે ઉત્તરપ્રદેશના બરેલીમાં પાસપોર્ટ ઇસ્યૂ થયો હોવાથી પાસપોર્ટ રિન્યૂ કરવાની અરજી રદ કરી દેવામાં આવી હતી. તેથી આ વ્યક્તિએ હાઇકોર્ટના દ્વાર ખખડાવવા પડ્યા હતા. હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગજેએ તેમને રાહત આપતાં અમદાવાદ પાસપોર્ટ ઓફિસને આદેશ કર્યો હતો કે અરજદાર પાસપોર્ટ રિન્યૂ કરવાની નવેસરથી અરજી કરે તો તેના પર યોગ્ય નિર્ણય કરવામાં આવે. આ કેસમાં અરજદારની રજૂઆત છે કે તેમણે પાસપોર્ટ રિન્યુ કરાવવા માટે અરજી આપી હતી. રિન્યૂઅલની અરજી એમ કહીને રદ કરવામાં આવી હતી કે આ જ નામ અને વિગતો ધરાવતો પાસપોર્ટ ઉત્તરપ્રદેશની બરેલી પાસપોર્ટ ઓફિસમાંથી ઇસ્યૂ થયો છે. ત્યારબાદ અરજદારને જાણવા મળ્યું હતું કે જે-તે સમયે પાસપોર્ટ કઢાવવાની અરજી માટે એજન્ટને અપાયેલા દસ્તાવેજો અને માહિતીનો દુરુપયોગ કરી બરેલીમાંથી પાસપોર્ટ કઢાવવામાં આવ્યો છે. અરજદારની રજૂઆત હતી કે તેઓ અમદાવાદમાં રહે છે અને અમદાવાદ પાસપોર્ટ ઓફિસ સિવાય ક્યાંય તેમણે અરજી કરી નથી. આ ઉપરાંત તેમણે સંબંધિત પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ પણ નોંધાવી છે અને નિવેદન આપ્યું છે કે બરેલીમાંથી ઇસ્યૂ થયેલા પાસપોર્ટ સાથે તેમને કોઇ સંબંધ નથી.આ પાસપોર્ટ ગેરકાયદે ઇસ્યૂ થયો હોવાની રજૂઆત હોવા છતાં પાસપોર્ટ રિન્યૂ ન થતાં તેમણે હાઇકોર્ટમાં રિટ કરી હતી. જેમાં હાઇકોર્ટ રિટના ગુણદોષમાં ગયા વિના અરજદારને નવેસરથી અરજી કરવા અને પાસપોર્ટ ઓફિસને અરજી અંગે નિયમ મુજબ નિર્ણય લેવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે આદેશમાં કહ્યું છે કે અરજદારની માહિતી અને વિગતોનો દુરુપયોગ થયો હોવાનો મુદ્દો ધ્યાન માગી લે તેવો છે.એટલું જ નહીં તેમની સાથે બનેલી ઘટનાની પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે. તેથી અરજદારને બે અઠવાડિયામાં નવેસરથી રિન્યુઅલ અરજીનો આદેશ આપવામાં આવે છે અને પાસપોર્ટ સત્તામંડળે અરજદારની અરજી અને તેની રજૂઆતો સાંભળી નિયમ મુજબ નિર્ણય લેવા આદેશ આપવામાં આવે છે.