શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2022 (14:12 IST)

18 જૂને વડાપ્રધાનની વડોદરા મુલાકાત

વડા પ્રધાન છ વર્ષ બાદ વડોદરા શહેરની પણ મુલાકાત લઈ રહ્યા છે.
 
વડોદરામાં તેઓ ઍરપૉર્ટથી આજવા રોડ પર લેપ્રસી ગ્રાઉન્ડ સુધીના રોડ શોમાં ભાગ લે તેવી અપેક્ષા છે. વડા પ્રધાન મોદી 2014માં વડોદરા લોકસભા મતવિસ્તારમાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. જે બાદમાં તેમણે વારાણસીની બેઠક રાખીને વડોદરાની બેઠક છોડી દીધી હતી.
 
વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને, વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફૂટપાથનું રંગરોગાન, રસ્તાઓનું સમારકામ અને વૃક્ષોની કાપણી કરીને શહેરને "સુંદર" બનાવવાનું કામ હાથમાં ધરવામાં આવ્યું છે.
 
વડોદરા મહાનગરપાલિકના કમિશનર શાલીની અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, "ઍરપૉર્ટથી લગભગ સાડા પાંચ કિલોમિટરના રોડ શોમાં ચાર લાખ લોકોની ભીડનો અંદાજ છે. રોડ શો બાદ વડાપ્રધાન સભાને સંબોધશે."
 
ભારતીય જનતા પાર્ટીએ 'મોટા કાર્યક્રમ'ની તૈયારી માટે મંગળવારે સાંજે લગભગ 300 નેતાઓની બેઠક યોજી હતી.

પાર્ટી રોડ શોના રૂટ પર વિવિધ પૉઇન્ટ પર સાંસ્કૃતિક ઝાંખીઓ ગોઠવવાનું પણ આયોજન કરી રહી છે.
 
વડોદરા ભાજપના મહાસચિવ અને પૂર્વ મેયર સુનિલ સોલંકીએ જણાવ્યું હતું કે આ મુલાકાતનો ઉદ્દેશ્ય આગામી ચૂંટણી પહેલા મધ્ય ગુજરાત ઝોનને આવરી લેવાનો છે. સુનિલ સોલંકીએ કહ્યું કે, "મોદીજી વડોદરા આવતા પહેલાં પાવાગઢ મંદિરે દર્શને જશે."
 
પીએમ મોદી અગાઉ ઑક્ટોબર 2016માં વડોદરા ઍરપૉર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગના ઉદ્ઘાટન માટે વડોદરા શહેરની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેમણે નોટબંધીની જાહેરાત પહેલાં "કાળા નાણા પર તવાઈ"નો સંકેત પણ આપ્યો હતો.