રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :આણંદ: , ગુરુવાર, 12 માર્ચ 2020 (10:27 IST)

કોરોના વાયરસને કારણે અમૂલ ડેરી અને અમૂલ ચોકલેટ પ્લાન્ટની જાહેર મુલાકાત ઉપર પ્રતિબંધ મૂકાયો

દેશમાં કોરોના વાયરસના રોગને કારણે ભારતની સૌથી મોટી ફૂડ બ્રાન્ડ અમૂલે તેની અમૂલ ડેરી અને અમૂલ ચોકલેટ પ્લાન્ટની જાહેર મુલાકાત ઉપર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. અમૂલ તેના પ્લાન્ટમાં ગુણવત્તાનાં ઉચ્ચ ધોરણો  જાળવીને ડેરી પ્લાન્ટ અને ચોકલેટ પ્લાન્ટમાં દૂધ અને વિવિધ દૂધ ઉત્પાદનોના થઈ રહેલા ઉત્પાદન અંગે લોકોને જાણકારી પ્રાપ્ત થાય તે હેતુથી જાહેર મુલાકાત માટે હંમેશાં પ્રોત્સાહન આપતી રહે છે. ગુજરાતમાં આણંદ ખાતે અમૂલના ડેરી પ્લાન્ટ અને ચોકલેટ પ્લાન્ટમાં દરરોજ આશરે 3,000 લોકો મુલાકાત લેતાં હોય છે.
 
ભારત સરકારે કોરોના વાયરસનો ચેપ ફેલાતો રોકવા લોકોને જાહેરમાં એકત્ર નહી થવા બાબતે એડવાઈઝરી બહાર પાડી છે ત્યારે એક વિશ્વાસપાત્ર ફૂડ બ્રાન્ડ તરીકે અમૂલે કોઈ અજુગતી ઘટના બને નહી તે હેતુથી  અને આ 
એડવાઈઝરી અનુસાર મુલાકાત પર પ્રતિબંધ મૂક્યો છે. આ કામચલાઉ મુલાકાત  તા. ૧૧ માર્ચ ૨૦૨૦થી  બીજી નોટિસ બહાર પાડવામાં ના આવે ત્યાં સુધી અમલમાં રહેશે.
 
હાલમાં પ્રસરેલા રોગને કારણે દેશભરમાં આવેલા અમૂલના 80 થી વધુ અદ્યતન પ્લાન્ટમાંથી ગુણવત્તાયુક્ત દૂધ અને મિલ્ક પ્રોડ્કટસને કોઈ અસર થશે નહીં. અમૂલની તમામ પ્રોડક્ટસ આઈએસઓ (ISO) સર્ટિફાઈડ ડેરી 
પ્લાન્ટસમાં તૈયાર કરવામાં આવે છે અને કાચુ દૂધ એકત્ર કરવાથી માંડીને દૂધ અને દૂધની વિવિધ પ્રોડક્ટસ તથા ગ્રાહકોને કરવામાં આવતા વિતરણના તમામ સ્થળે ગુણવત્તાના આકરાં ધોરણોનું પાલન કરવામાં આવે છે.