બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 જુલાઈ 2021 (19:35 IST)

ધોરાજીમાં મેઘરાજાની ધોધમાર ઇનિંગ, જાણો ગુજરાતમાં ક્યાં કેટલો નોંધાયો વરસાદ

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પાછો ખેંચાયો હતો પરંતુ હવે ફરીથી ચોમાસું સક્રિયા થઇ ગયું છે. હવામાન વિભાગે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 31 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. વલસાડ તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢના માળીયા, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને જૂનાગઢના કોડિનાર માં અડધા ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 
 
રાજ્યમાં સવારથી ચાર વાગ્યા સુધીમાં 37 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સૌથી વધારે વરસાદ સુરત સિટીમાં 2 કલાકમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટના ધોરાજીમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ થયો છે. 
 
આ સાથે અગાઉ પડેલા વરસાદને કારણે અનેક ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું હતું પરંતુ વરસાદ ખેંચાતા તેઓ પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. જે આજે એક સાથે એક કલાકમાં બે ઇંચ વરસાદ આવતા ખેડૂતોમાં રાહત જોવા મળી હતી. વિરામ બાદ ફરી વરસાદના આગમનથી મગફળી સોયાબીન જેવા પાકોને નવું જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. 
 
જૂનાગઢના માળિયામાં બે કલાકમાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. જૂનાગઢના માળિયામાં સવારથી અત્યાર સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સવારથી અત્યાર સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના માણાવદર અને નવસારીના જલાલપોરમાં છેલ્લા બે કલાકમાં દોઢ ઇંચથી વધારે વરસાદ થયો છે. 
 
ઉપલેટા પંથકમાં એક કલાકમાં અડધાથી એક ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપલેટા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. ઉપલેટાના ડુમીયાણી ચીખલીયા, હાડફોડી, સમઢીયાળા, ખાખીજાળીયા, મોજીરા, ગઢાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. 
 
દીવ, કોડીનાર અને ઉનામા વરસાદ શરૂ થયો છે. કેસરિયા, સોનારી,  કાજરડી, તડ, ડોળાસા, દેવળી સહિતના ગામોમાં ધીમીંધારે વરસાદ પડી રહ્યો છે.
 
જ્યારે બનાસકાંઠાના અમીરગઢ ,ઇકબાલ ગઢમાં વરસાદ થયો શરૂ થયો છે. પાલનપુર ,દાંતીવાડા, ડીસા સહિત અનેક પંથકોમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. અંબાજી પંથકમાં વરસાદ થયો હતો. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 11 જૂલાઈથી 20 જૂલાઈ સુધી રાજ્યમાં વરસાદી વાતાવરણ રહેશે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે. રવિવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદ સંભાવના છે.