શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 7 જૂન 2022 (17:58 IST)

સાવરકુંડલામાં જેઠમાં જ અષાઢી માહોલ, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

8 જૂનથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ

rain in gujarat
અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં આજે જેઠ મહિનામાં જ અષાઢી માહોલ જોવા મળ્યો હતો. સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં. લાઠી અને સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. ચોમાસા પહેલા જ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતો ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. તો બીજી તરફ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 8મી જૂનથી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં ત્રણથી ચાર ડીગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે
 
આ ઉપરાંત 8 મીએ વલસાડ-નવસારી-દમણ-દાદરા નગર હવેલી, 9થી 10 જૂને વલસાડ-નવસારી-દમણ -દાદરા નગર હવેલી-સુરત-તાપી-અમરેલી-ગીર સોમનાથમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 9 જૂન બાદ અમદાવાદમાં મહત્તમ તાપમાનનો 40 ડિગ્રી થતાં ગરમીમાં રાહત મળી શકે છે. અમદાવાદમાં બુધવારથી ક્રમશ ગરમીનો પારો ગગડીને શુક્રવાર સુધીમાં 40 ડિગ્રી પહોંચશે. સમગ્ર રાજ્યમાં 42.6 ડિગ્રી સાથે અમદાવાદમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આગામી 48 કલાકમાં રાજ્યના મોટાભાગના વાતાવરણમાં પલટો આવશે.
 
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારીથી દમણમાં વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતથી ભેજ વાળા પવન આવતા વરસાદી માહોલ સર્જાઇ શકે છે. એટલુ જ નહિ પરંતુ આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વાવાઝોડાની અસર પણ જોવા મળી શકે છે.
 
દેશમાં 103 ટકા વરસાદની આગાહી
આ વર્ષે દેશમાં ગયા વર્ષ કરતાં વધારે સારો વરસાદ થવાની આગાહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આ વખતે જૂનથી સપ્ટેમ્બર સુધી દેશમાં 103 ટકા વરસાદ થવાની શક્યતા રજૂ કરી છે. વિભાગે એક મહિના પહેલાં દેશમાં 99% વરસાદ થવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જૂનમાં પંજાબમાં પણ ચોમાસાની સીઝન દરમિયાન સામાન્ય કરતાં વધારે વરસાદ થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.
 
2019થી સતત સારો થઈ રહ્યો છે વરસાદ
જૂનમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયામા, ઉત્તરી રાજસ્થાન, મહારાષ્ટ્ર, પૂર્વ મધ્યપ્રદેશ, પશ્ચિમ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને આંતરિક કર્ણાટકમાં સામાન્ય કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. પંજાબમાં આ વર્ષે માર્ચથી લઈને 22 મે સુધી વાતાવરણ શુષ્ક રહ્યું છે.
 
આ વર્ષે મે મહિનામાં વધારે ગરમી રહી
મે મહિનામાં સરેરાશ દેશમાં વધારે ગરમી નોંધાઈ છે. IMDના જણાવ્યા પ્રમાણે, પંજાબના ત્રણ જિલ્લા અમૃતસર, લુધિયાણા અને પટિયાલામાં વધારે ગરમી નોંધાઈ છે. અમૃતસરમાં તો 2013 પછી પહેલીવાર ગરમી 40 ડીગ્રી પાર થઈ છે.