મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 16 જૂન 2018 (12:01 IST)

Photo - સૌરાષ્ટ્ર અને સુરતમાં મેઘરાજાનું આગમન, હળવો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર

ભારે ગરમી અને બફારાનો અહેસાસ કરી રહેલા સુરતવાસીઓને વહેલી સવારે ઠંડકનો અનુભવ થયો હતો. સવારે આકાશમાં ચડી આવેલા કાળાડિબાંગ વાદળોમાંથી મેઘરાજાએ અમીછાંટણા કર્યા હતાં. જેથી વાતાવરણ આહલાદક બનવાની સાથે રસ્તાઓ ભીના થઈ ગયાં હતાં.સુરત જિલ્લામાં વાતાવરણમાં પલટો થયો હતો. વાદળછાયા વાતાવરણમાં ગરમીથી રાહત થઇ હતી. ઓલપાડ અને કિમ વિસ્તારમાં વરસાદી ઝારટા પડ્યા હતા. વરસાદને લઇને ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે.

શહેરમાં સવારના સમયે એક વરસાદી ઝાપટું પડ્યું હતું. જેથી સવારના સમયે કામકાજ પર નીકળેલા લોકોને રેઈનકોટ પહેરીને જવાની ફરજ પડી હતી. જ્યારે ગરમીમાં અમુક યુવકોએ વરસાદની મજા માણી હતી. તો વરસાદી ઝાપટામાં બાઈકચાલકોએ ઝાડ નીચે જગ્યા શોધવાની ફરજ પડી હતી. જો કે એક જ ઝાપટું વરસાદ નહીં પરંતુ શહેરીજનોએ વિધિવત ચોમાસું શરૂ થાય અને વરસાદી પાણીમાં તરબોળ વહેલાં થવાય તેવી આશા વ્યક્ત કરી હતી. આ સિવાય જુનાગઢ પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કેશોદમાં વહેલી સવારથી જ મેઘરાજાએ આગમન કર્યું હતુ. વરસાદ પડતા જ લોકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતુ.


વરસાદનું આગમન થતા જ સ્થાનિક લોકોએ વરસાદની મજા માણી હતી.હવામાન વિભાગે પણ વરસાદ ખેંચાવાની આગાહી કરતાં વરસાદ ખેંચાશે. ત્યારે આજે પડેલા ઝાંપટાથી કેટલેક અંશે હાશકારો થાય તેવું છે. સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા સપ્તાહથી બફારાએ અકળાવી રહ્યો છે અને આજે બફારા બાદ ગોંડલ પંથકના ગામોમાં વરસાદી ઝાપટાં પડતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. ગોંડલમાં વરસાદના પગલે બાળકોએ મજા માણી હતી રસ્તા પર પાણી પાણી થઇ ગયા હતા.