અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ, આબરડીમાં 4 ઈંચ વરસાદ
અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં આખો દિવસના બફારા બાદ મોડી રાત્રે વરસાદી ઝાપટાં પડ્યા હોવાનો અહેવાલો પ્રાપ્ત થયા છે. સરખેજ, એસ.જી.હાઇવે, પ્રહલાદનગર, થતલેજ, બોડકદેવ, વેજલપુર, જુહાપુરા, નારણપુરા, નવરંગપુરામાં વરસાદ વરસ્યો હતો. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
આજે આખો દિવસ વાદળાછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અસહ્ય બફારા વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. ગુજરાતના ડાંગ, પંચમહાલ, દાહોદ, સૌરાષ્ટ્ર, આણંદ, ભાવનગર, અમરેલી સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપડા પડ્યા હતા. જ્યારે જસદણના આંબરડીમાં તો ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
રાજકોટ જિલ્લામાં સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો હતો. આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે. જસદણ પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. તેમાં પણ જસદણના આબરડીમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી ગામના માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદને પગલે ગરમીમાં રાહત થઈ હતી અને ઠંડક પ્રસરી ગઈ હતી.
જસદણમાં બપોર બાદ વાતાવરણ ગોરભાતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ હતું. અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે કરા સાથે વરસાદ ખાબકતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. આ ઉપરાંત અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થઇ જતાં અંધારપટ છવાયો હતો.
જસદણ પંથકમાં મેઘરાજાનું આગમન થતાની સાથે જ વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો ખુશીથી જુમી ઉઠ્યા હતા. વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.
બોટાદ જિલ્લાના ગઢડામાં પણ સાંજના સમયે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જયારે ધોળમાં પણ સાંજના સમયે મોટા કરા સાથે ધોધમાર વરસાદ ખાબકયો હતો. જયારે સિહોર પંથકના સણોસરા,રામધરી આજુબાજના ગામોમાં રાત્રીના 8 કલાક આસપાસ અંદાજે અડધો ઇંચ જેટલો જોરદાર પવન સાથે વરસાદના સમાચાર છે.
હવામાન વિભાગની આગાહી મુજબ પાકિસ્તાન અને તેની આસપાસનાં વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન સક્રીય થયું છે, જેની અસરોથી આગામી 48 કલાકમાં દક્ષિણ-પશ્ચિમી પવનો સાથે રાજ્યમાં ઉત્તર ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ છવાવાની સાથે વરસાદી ઝાપટાની સંભાવના વ્યક્ત કરી છે.