જાણો રાજકોટ જિલ્લા પંચાયતમાં કોને કેટલી સીટો જીતી, જીતની ખુશીમાં ઢોલના તાળે નોટો ઉછાળી
ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 23 નગરપાલિકાની ચૂંટણીનું આજે તા.2જી માર્ચે પરિણામ જાહેર થઈ રહ્યા છે. મહાનગર પાલિકાની ચૂંટણી બાદ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપનો લહેરાયો છે. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ.
જિલ્લા પંચાયતની 36 બેઠક પૈકી 25 બેઠક પર ભાજપ અને 11 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે. વિજેતા ઉમેદવારોમાં ખુશીનો કોઈ પાર નથી અને તે આજે બધા કાર્યકરો અને નેતાઓના ચહેરા ઉપર દેખાતી હતી. જીતનો જશ્નમાં ડૂબેલા ઉમેદાવારોએ ઢોલના તાલે રૂપિયાનો છોળો ઉડાવી હતી.
કોંગ્રેસ ઉમેદવારનો વિજય થતા જ ઢોલનાં તાલે રૂપિયા ઉડાવીને કોંગ્રેસનાં વિજેતા ઉમેદવારનું કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો આ તરફ રાજકોટની બેડી બેઠકના ભાજપના ઉમેદવારે જીતની ઉજવણી કરી હતી. જીતની ઉજવણી દરમિયાન 500 રૂપિયાની નોટો ઉડાડી હતી. તેમના સમર્થકોએ ફૂલહાર સાથે તેમનું સ્વાગત કર્યું હતુ.
બેડલા સીટ પર ભાજપનાં સવિતાબેન ગોહેલ માત્ર 8 મતે જીતી ગયા છે. આમ ગત ટર્મ કરતા ઘણી સારી શરૂઆત મળતા ભાજપમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા પંચાયતમાં 2015માં ભાજપને માત્ર બે અને કોંગ્રેસને 34 બેઠક મળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મુજબ કોટડા સંગાણી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનાં અર્જુન ખાટરીયાની જીત થઈ છે. તો બેડી સીટ પર સુમીતાબેન રાજાભાઈ ચાવડા જીતી ચુક્યા છે. અને કોલકી બેઠક પર ભાજપના ઉમેદવાર જેન્તીલાલ બરોચિયા, ગોંડલની ચરખડી સીટ પર ભાજપના ઉમેદવાર અમૃતભાઈ મકવાણાનો વિજય થયો છે. આ ઉપરાંત લોધિકા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપનાં મોહન દાફડા વિજેતા બન્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાના પત્નીની કારમી હાર થઈ છે.
આ સિવાય ગોંડલ નગરપાલિકાના કુલ 11 વૉર્ડ ની 44 બેઠકની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 5 બેઠકમાં પહેલા જ ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા હતા. આજે બાકી રહેલી 39 બેઠકોની મત ગણતરી હાથ ધરવામાં આવી છે. જેમાં બિનહરીફ સહિત અત્યાર સુધીમાં વોર્ડ નંબર 1 , 2, 3, 7, અને 8માં ભાજપની પેનલ જ વિજેતા બની ચુકી છે. જ્યારે બાકીના વોર્ડમાં ગણતરી પુરજોશમાં ચાલી રહી છે.