ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 ઑગસ્ટ 2018 (12:55 IST)

રાજકોટનાં 40 સ્પામાં દરોડા 45 વિદેશી મહિલાઓ મળી

રાજકોટમાં ખાસ કરીને પોશ વિસ્તારોમાં બીલાડીના ટોપની જેમ ફૂટી નિકળેલા સ્પા અને મસાજ પાર્લરોના મોટાપાયે ગોરખધંધા ચાલતા હોવાથી વ્યાપક ફરિયાદો બાદ અંતે આજે પોલીસની ઉંઘ ઉડી હતી. આજ બપોરથી રાત સુધી પોલીસે શહેરના ૪૦ સ્પા સેન્ટરોમાં દરોડા પાડતા ત્યાંથી ૪૫ વિદેશી મહિલાઓ મળી આવી હતી. જે ટુરીસ્ટ વીઝા પર આવ્યા બાદ કામ પર લાગી ગઈ હોવાથી વીઝાના નિયમોનો સ્પષ્ટ ભંગ થતો હોવાથી પોલીસે સ્પા સેન્ટરના સંચાલકો વિરુદ્ધ ગુના દાખલ કરવાની તજવીજ રાત્રે આદરી હતી. આ દરોડાના પગલે સ્પા અને મસાજ પાર્લરના સંચાલકો જ નહીં ત્યાં નિયમીત જતા ગ્રાહકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરમાં છેલ્લા ઘણાં સમયથી ખાસ કરીને કાલાવડ રોડ, દોઢસો ફૂટ રીંગ રોડ, અમીનમાર્ગ વગેરે વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લરો મોટાપાયે ધમધમવા લાગ્યા હતા. જેમાંથી અમુકમાં મોટાપાયે ગોરખધંધા અને સેક્સ રેકેટ ચાલતા હોવાની વ્યાપક ફરિયાદો અવારનવાર ઉઠતી હતી. પરંતુ પોલીસ તેની ઉપર ધ્યાન આપતી ન હતી. આજે શહેર પોલીસ કમિશનરની સુચનાથી ઝોન-૨ના ડીસીપી મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસની ૪૦ ટીમો બનાવાઈ હતી. જેમાં ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસને સામેલ રાખવામાં આવી હતી. ૮ પીઆઈ, ૨૩ પીએસઆઈ, ૭૦ પોલીસ કર્મીઓ, ૨૩ એએસઆઈ, જમાદાર ઉપરાંત ૩૮ મહિલા પોલીસ અને અધિકારીઓની બનેલી આ ટીમોએ આજ બપોરથી રાત સુધીમાં ૪૦ સ્પા અને મસાજ પાર્લરોમાં દરોડા પાડયા હતા. પોલીસે મુખ્યત્વે આ સ્થળોે લાયસન્સ છે કે કેમ, હ્યુમન ટ્રાફિકીંગ થાય છે કે કેમ, ભાડા કરાર કરેલા છે કે કેમ, ત્યાં કામ કરતી મહિલાઓનું પોલીસ પાસે વેરીફીકેશન કરાવવામાં આવ્યું છે કે કેમ, શોપ એક્ટના કાયદાનો ભંગ થાય છે કે કેમ સહિતના મુદ્દાઓ પર તપાસ કરી હતી. તપાસના અંતે પોલીસે જણાવ્યું કે ૧૨ સ્થળોએથી કુલ ૪૫ વિદેશી મહિલાઓ મળી આવી છે. જેમાં ૪૧ થાઈલેન્ડની, ૩ રશિયન અને ૧ કઝાકિસ્તાનની છે. આ તમામ મહિલાઓ ટુરીસ્ટ વીઝા, બીઝનેશ વીઝા પર ભારત આવ્યા બાદ કામ પર લાગી ગઈ હોવાથી આ બાબત વીઝાના નિયમોનો ભંગ હોવાથી તમામ મહિલાઓ વિરુદ્ધ ઈમીગ્રેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે. જ્યારે આ મહિલાઓ વિદેશીથી ટુરીસ્ટ પરમીટ પર આવી હોવાથી અહીં કામ ન કરી શકે તેવું જાણતા હોવા છતાં તેમને પોતાને ત્યાં નોકરીએ રાખનાર સ્પાના માલીકો વિરુદ્ધ આ ગેરકાયદે કૃત્ય બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.