રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 19 જૂન 2020 (15:11 IST)

ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીઃ એનસીપીના કાંધલ જાડેજાએ કોને મત આપ્યો?

ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી ચાર બેઠકો માટેની ચૂંટણીનું આજે મતદાન છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી શકે છે. ભાજપે આ ચૂંટણીમાં ત્રણ જ્યારે કોંગ્રેસે બે ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આજે એનસીપીના અને ગુજરાતમાં એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાને લઈને રાજકારણ થોડું ગરમાયું છે. આજે જ્યારે તેઓ મતદાન માટે આવ્યા ત્યારે તેઓએ વોટિંગ કર્યા બાદ તેમનું ચોંકાવનારું નિવેદન ચર્ચાનો વિષય બન્યો છે. ચૂંટણી અગાઉ કાંધલ જાડેજાએ ભાજપને મત આપવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ એનસીપી પાર્ટી તરફથી કાંધલને કોંગ્રેસને વોટ આપવા માટે વ્હીપ આપવામાં આવ્યું હતું. મતદાન ક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓએ બહાર આવીને નિવેદન આપ્યું હતું કે, મેં પાર્ટીના આદેશ મુજબ મતદાન કર્યું છે. 2017માં પણ પાર્ટીના અધ્યક્ષના આદેશ પ્રમાણે મતદાન કર્યું હતું. હાલ મેં મત કોણે આપ્યો છે તે હું ન કહી શકું. કારણ કે તેનાથી ગુપ્તતા જળવાતી નથી. પરંતુ પાર્ટીના આદેશ પ્રમાણે મેં મતદાન કર્યું છે. મીડિયા સામે પાર્ટી લાઇન પર વોટિંગ કર્યાંનું કહેનારા કાંધલ જાડેજા વોટિંગ માટે બીજેપીના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે આવ્યા હતા અને તેમની સાથે જ ગયા હતા. આથી તેઓ મીડિયા સામે ખોટું બોલી રહ્યાનું લોકો અને સૂત્રો માની રહ્યા છે. હવે જો ગણિત સમજીએ તો, કાંધલ જે રીતે મીડિયા સામે પાર્ટીના વ્હીપ મુજબ મતદાન કરવાનું જણાવ્યું છે, તેનાથી ભાજપ ચિંતિત બન્યો છે. ભાજપના ત્રણેય ઉમેદવારોને જીત માટે 105ના વોટની જરૂર છે. ભાજપ પાસે 104 વોટ છે. કાંધલનો મત કૉંગ્રેસને પડે તો ભાજપે હવે વોટિંગ માટે બીટીપી પર જ આધાર રાખવો પડે તેમ છે. એટલે કે કાંધલનો મત કૉંગ્રેસને પડે તો ભાજપે બીટીપીના બંને ધારાસભ્યોને મનાવવા જ પડશે.