રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (12:18 IST)

નર્મદા બંધના અસરગ્રસ્તોએ પૂનઃવસવાટ અને અધિક્ષક ઈજનેરની કચેરીને તાળાબંધી કરી

સરદાર સરોવર નર્મદા બંધના ડૂબાણમાં ગયેલા ઓગણીસ ગામોના સ્થળાંતર કરીને ઉભી કરેલી વસાહતોમાં પાયાની સુવિદ્યા થી લઇને તેઓની પાંત્રીસ વર્ષથી વણઉકેલાયેલી માંગણીઓના પગલે નર્મદા બંધના અસરગ્રસ્તો આક્રમક બની રહ્યા છે. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલી પુન: વસવાટ કચેરી તથા નર્મદા નિગમના અધિક્ષક ઇજનેરની કચેરીને તાળાબંધી કરવામાં આવતાં ભારે હોબાળો મચી ગયો હતો. કચેરીઓમાં અધિકારીઓ તથા કર્મચારીઓ હોવા છતાં તાળાબંધી કરીને અસરગ્રસ્તોએ સૂત્રોચ્ચાર કરીને જોરદાર વિરોધ પ્રદર્શીત કર્યો હતો. 
આખા પંથકમાં આવેલી વિવિધ અસરગ્રસ્તોની વસાહતોમાં પાણી, વીજળી, સિંચાઇ સહીત રસ્તા અને ખેતીની જમીનના પ્રશ્નો ઉપરાંત વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે અસરગ્રસ્તો દ્વારા સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. તેમાં પણ કટ ઓફ ડેટ મુજબ નોકરીની પણ માંગણી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આ લોકોની અનેક માંગણીઓના ઉકેલ લાવવાના ભાગરૂપે એક પેકેજ પણ જાહેર કર્યુ હતુ. 
સરકારના પ્રતિનિધિ તરીકે છેલ્લા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અસરગ્રસ્તોની સાથે વાતચીત કરીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે વચન પણ આપ્યુ હતુ. આ તમામ બાબતોનો આજ સુધી કોઇ જ અમલ ન થતાં કેવડિયા પંથકના અસરગ્રસ્તો આજે અચાનક આક્રમક બની ગયા હતા. સરકાર અને અધિકારીઓના વલણ સામે પુનઃરોષ વ્યક્ત કરી અસરગ્રસ્તો ભેગા મળી પૂનઃવસવાટ કચેરી અને નર્મદાના અધિક્ષક ઈજનેરની કચેરીને તાળાબંધી કરીને હંગામો મચાવ્યો હતો. 
આ અંગેની જાણ થતાં એ.એસ.પી અચલ ત્યાગી, પીઆઇ ડી.બી.શુકલા, પીએસઆઈ એસ એ.ડામોર સહીત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જોકે પોલીસની દખલગીરી અને સમજાવટ બાદ કચેરીઓના તાળા ખોલી દેવાયા હતા. આ મામલે પુનઃવસવાટના કમિશનરને જાણ થતા તેઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. તેઓએ આગામી દિવસોમાં આ અંગેની કામગીરી શરૂ કરાશે એમ અસરગ્રસ્તોને જણાવીને મામલો થાળે પાડ્યો હતો.