રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 મે 2021 (11:48 IST)

મોરબી રેમડેસિવિર ઇંજેક્શન કૌભાંડના તાર મધ્ય પ્રદેશ સુધી, ત્રણની ધરપકડ

મોરબી પોલીસે નકલી રેમડેસિવિર ઇંજેક્શન વેચવાના કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ રિમાંડ દરમિયાન પૂછપરછમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. એટલા માટે આ કેસમાં એક પછી એક આરોપીઓની ધરપકડનો દૌર ચાલી રહ્યો છે. 
 
આ નકલી રેમડેસિવિર ઇંજેક્શનનું નેટવર્ક હવે આંતરરાષ્ટ્રીય સ્તર પર ફેલાયેલું હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે. જેમાં મધ્ય પ્રદેશમાં પણ નકલી રેમડેસિવિર વેચવાનો ખુલાસો થતાં પોલીસે ઇંજેક્શન ખરીદનાર વધુ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. 
 
જાણકારી અનુસાર મોરબી પોલીસે નકલી રેમડેસિવિર કૌભાંડમાં અત્યાર સુધી 18 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 10 આરોપી અલગ-અલગ દિવસના રિમાંડ પર છે. રિમાંડ દરમિયાન રેમડેસિવિર ઇંજેક્શનનું નેટવર્ક ક્યાં ક્યાં સુધી ફેલાયેલું છે તથા તેમાં કયા-કયા લોકો સામેલ છે તે જાણકારી માટે પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. જેમાં આરોપીઓએ સુરતથી ખરીદી કરીને મધ્ય પ્રદેશમાં પણ નકલી રેમડેસિવિર વેચવાની વાત સ્વિકારી છે. 
 
તપાસ દરમિયાન પોલીસે આરોપીઓ પાસેથી મધ્ય પ્રદેશમાં ઇંજેક્શન ખરીદનાર લોકોની જાણકારી પ્રાપ્ત કરતાં મધ્ય પ્રદેશ પહોંચી સુનિલ મિશ્રા, કુલદીપ કાબલિયા અને તપન જૈનની ધરપકડ કરી છે. મધ્ય પ્રદેશમાં એક હજાર ઇંજેક્શન પાથર્યા છે. 
 
આ ત્રણે આરોપીએ સુરતના કૌશલ વોરા નામના વ્યક્તિ પાસેથી એક હજાર નકલી ઇંજેક્શન ખરીદ્યા હતા અને તેમને મધ્ય પ્રદેશમાં વેચ્યા હતા. ત્રણે આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને 16 મે સુધી રિમાંડ પર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન પોલીસ આરોપીઓ સાથે પૂછપરછ તથા મધ્ય પ્રદેશમાં તપાસ કરીને આ નેટવર્કમાં વધુ ખુલાસા કરી શકે છે.