શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 28 ફેબ્રુઆરી 2022 (20:11 IST)

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને PM મોદીની આજે ચોથી ઉચ્ચ સ્તરીય બેઠક, યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા અને યુદ્ધની સ્થિતિ પર ચર્ચા

રશિયા (Russia) હુમલા પછી યુક્રેન (Ukraine) ફસાયેલા ભારતીયોને પરત લાવવાના પ્રયાસો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) સોમવારે ફરી એકવાર દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. પ્રધાનમંત્રી મોદી ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાંથી પરત ફર્યા બાદ તરત જ આ બેઠક કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા અને યુક્રેનની સ્થિતિ અંગે ચર્ચા કરી શકે છે. પીએમ મોદી યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લઈને આજે ચોથી ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે.
 
પીએમ મોદીએ એક દિવસ પહેલા એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી, જેમાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અને વહેલા પરત ફરવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે.. સૂત્રોએ જણાવ્યું હતું કે આ બેઠકમાં યુક્રેનના પડોશી દેશો સાથે વધુ સહયોગ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી જેથી કરીને ભારતીય વિદ્યાર્થીઓને યુદ્ધગ્રસ્ત દેશમાંથી બહાર કાઢી શકાય. બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત વિદેશ મંત્રી એસ. જયશંકર, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા.
 
રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે અને યુક્રેનના ઘણા શહેરો તબાહ થઈ ગયા છે. યુદ્ધના પગલે ઊભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી અને હિંસા રોકવા અને વાતચીત શરૂ કરવાની અપીલ કરી હતી. આ પછી, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ શનિવારે મોદી સાથે વાતચીત કરી અને તેમના દેશ વિરુદ્ધ રશિયાના સૈન્ય હુમલાને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારત પાસેથી રાજકીય સમર્થન માંગ્યું.