સ્કૂલ સત્તાવાળાઓની દાદાગીરી: નવા વર્ષની ફી ભરો, નહીં તો પ્રવેશ રદ કરાશે
અમદાવાદ શહેરની ખાનગી સ્કૂલોએ હવે નવા વર્ષની ફી નહીં ભરાનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાની ચીમકી ઉચ્ચારવાનું શરૂ કર્યું છે. આટલું જ નહીં, નવા વર્ષ માટે સ્કૂલોએ પોતાની રીતે જ પ્રોવિઝનલ ફી નક્કી કરી લીધી છે. ખરેખર તો સરકાર દ્વારા જાહેર કરાયેલા કટ ઓફ ફી માળખા કરતા વધુ ફી લેતી સ્કૂલોએ ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની રહેશે. ત્યારબાદ કમિટી દ્વારા જે તે સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરાશે. સ્કૂલોએ પોતાની રીતે ફી નક્કી કરી એટલું જ નહીં તેમાં વધારો પર ઝીંકી દીધો હોવાનું જાણવા મળે છે.
આમ, હવે સ્કૂલો ખુલીને મેદાનમાં પડી હોય તેમ લેખિતમાં વાલીઓને ફી અંગેની નોટિસો મોકલે છે અને ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓના પ્રવેશ રદની ધમકી આપે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફીના મુદ્દે સરકાર જાણે ખાનગી સ્કૂલ સંચાલકોના ઘુંટણીયે પડી હોય તેમ ખાનગી સ્કૂલ સંચાલકો બેફામ બન્યા છે અને તેની સામે સરકાર કોઈ જ પગલા લઈ શકતી નથી. સરકારે કટ ઓફ ફી જાહેર કરી છતાં ખાનગી સ્કૂલો પોતાની રીતે જ ફી ઉઘરાવવા માંગતા હોય તેમ વાલીઓને નોટિસ મોકલી આગામી વર્ષ માટેની ફી અંગે સૂચના આપી છે. જેમાં માર્ચ માસમાં આગામી વર્ષની ફી ભરવા માટે જણાવ્યું છે. આ માટે સ્કૂલોએ વાલીઓને ચોક્કસ તારીખ આપી છે. જો વાલી દ્વારા નવા શૈક્ષણિક વર્ષ માટે ફી ભરવામાં નહીં આવે તો તેમના બાળકોના પ્રવેશ રદ કરાશે તેમ જણાવતા વાલીઓમાં આક્રોશ ફેલાયો છે. ખાનગી સ્કૂલોએ આગામી વર્ષ માટેની ફી ઉઘરાવવાનું શરૂ કર્યુ છે. જેમાં સ્કૂલોએ પોતાની રીતે જ પ્રોવિઝનલ ફી નક્કી કરી દીધી છે. જોકે, આગામી વર્ષ માટે સ્કૂલોએ જે પ્રોવિઝનલ ફી નક્કી કરી છે તેમાં ૧૦ ટકા જેટલો વધારો કરી દીધી હોવાનું જાણવા મળે છે. એક બાજુ સરકાર ખાનગી સ્કૂલો દ્વારા લેવાતી બેફામ ફી પર લગામ કસવાની કવાયત કરી રહી છે ત્યારે સ્કૂલો આગામી વર્ષની ફી વધારા સાથે વસુલવાની પેરવીમાં લાગી ગયું છે. જેને લઈને વિવાદ ઊભો થાય તેવી શક્યતા છે.