ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 જાન્યુઆરી 2019 (12:03 IST)

પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથિરીયાના જામીન રદ, ધરપકડ થઈ શકે

પાટીદાર અનામત આંદોલનના નેતા અલ્પેશ કથીરિયાને રાજદ્રોહના કેસમાં મળેલાં જામીન રદ્દ કરતો હુકમ મંગળવારે સેશન્સ કોર્ટે કર્યો છે. આ સાથે જ આરોપી અલ્પેશની ધરપકડ કરવા માટે પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, અલ્પેશની ટુંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

રાજદ્રોહના કેસમાં શરતી જામીન મળ્યા બાદ અલ્પેશ સામે જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં કુલ છ ગુના નોંધાયા હતા, ઉપરાંત વરાછા પોલીસ મથકની કસ્ટડીમાં અલ્પેશે પોલીસ અને પોલીસ અધિકારીઓ સામે અપશબ્દો ઉચ્ચાર્યા હતા જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. આ ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચે પાસ નેતાના જામીન રદ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. બચાવ પક્ષના વકીલ યશવંતસિંહ વાળાએ કહ્યું કે, ઓર્ડરમાં સરેન્ડરનો ઉલ્લેખ નથી, આથી અમે ન્યાય માટે આગળ લડીશું. જ્યારે સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું કે, સમાજમાં કાયદાનું રાજ છે. આ એક ન્યાયિક હુકમ છે.
અલ્પેશ કથીરિયાની જામીનની અરજીની સુનાવણી હોવાથી તે કોર્ટમાં હાજર હતો. પરંતુ જેવા તેના જામીન રદ કરવાનો ચુકાદો સંભળાવવામાં આવ્યો કે અલ્પેશ કોર્ટમાંથી નીકળી ગયો હતો. ફરીથી અલ્પેશની ધરપકડ ક્યારે કરવી તે અંગે હજુ કોઈ સ્થિતિ સ્પષ્ટ નથી. જોકે, સુરત પોલીસ કમિશનર સતીષ શર્માએ કોર્ટના હુકમને આવકારતા જણાવ્યું હતું કે, ટુંક સમયમાં અલ્પેશની ધરપકડ કરવામાં આવશે. હાલ તેની શોધખોળ ચાલી રહી છે.અલ્પેશના વકીલ યશંવત વાળાએ જણાવ્યું હતું કે, પોલીસની દલિલોને કોર્ટે માન્ય રાખી છે અને શરતો ભંગ થતી હોવાનું કહી જામીન રદ કરવાનું કહ્યું છે. 
જોકે આ ચુકાદાને તેઓ હાઈકોર્ટમાં પડકારશે તેમ વધુમાં જણાવ્યું હતું.અલ્પેશ કથીરિયા રાજદ્રોહના ગુનામાં 3 મહિના અને 20 દિવસ જેલમાં રહ્યા બાદ 3 ડિસમે્બરના રોજ જેલમાંથી બહાર આવ્યો હતો.  જામીન પર મુક્ત થયા બાદ ગત 27મી ડિસેમ્બરના રોજ સરથાણા પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાથે ગેરવર્તન અને ત્યારબાદ વરાછા પોલીસ સ્ટેશનમાં ધમાલ કરવા સાથે એસીપીને ગાળો ભાંડવાને લઈને પોલીસ દ્વારા જામીન રદ્દ કરતી અરજી કરવામાં આવી હતી.