રાજકોટમાં સિટી બસ રસ્તા વચ્ચે ભડ ભડ સળગી ઉઠી,બે મુસાફરોનો આબાદ બચાવ
તાજેતરમાં સુરત વરાછાના વિસ્તારમાં લક્ઝરી બસમાં લાગેલી આગની ઘટના હજુ લોકમાનસમાંથી ગઈ નથી ત્યારે રાજકોટમાં આવો જ એક બનાવ બન્યો. જ્યાં શહેરના ભક્તિનગર સર્કલ નજીક આજે સવારે 9:20 વાગ્યાના અરસામાં 2 મુસાફરો સાથે સવાર સિટી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. જો કે ડ્રાઈવર અને મુસાફરોની સમયસુચકતાના કારણે મોટી જાનહાની થતા અટકી છે. અને ફાયર વિભાગ દ્વારા તુરંત સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મનપા સંચાલિત સિટી બસ સેવાની M13ની બસ રૂટ નંબર 7 જે બજરંગવાડીથી ભક્તિનગર સર્કલ રૂટ પર ચાલે છે. તે આજે સવારે 9:20 વાગ્યા આસપાસ ભક્તિનગર સર્કલ નજીક પહોંચી સ્ટોપ પર ઉભી હતી ત્યારબાદ ફરી તેના સમયે બસ શરૂ કરવા જતા બસમાં કોઈ કારણો સર અચાનક આગ લાગી હતી. આ સમયે બસમાં 2 મુસાફરો સવાર હતા જો કે ડ્રાયવર સમય સુચકતા કારણે તેમને મુસાફરોને નીચે ઉતારી દીધા હતા અને જાનહાની ટળી હતી.આ અંગે સિટીબસના ડ્રાઈવર નિતેશ ઠસિયાએ જણાવ્યું હતું કે, સવારે 9:22 વાગ્યે બસ ઉપડવાનો સમય હતો આ સમયે સેલ્ફ મારતા અંદર વાયરિંગમાં શોટસર્કિટ થતા બસમાં આગ લાગી હતી. પ્રાથમિક તબક્કે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બસનો આખો આગળનો ભાગ સળગી ગયો હતો. અને બાજુમાં પડેલ એક્ટિવા મોટર સાયકલ પણ આગની ઝપેટમાં આવી ગયું હતું.આગ લાગ્યા બાદ મનપા તંત્ર જાગી હવે તમામ બસમાં સેફટી ઓડિટ માટે સૂચના આપવામાં આવી છે જો સમયાંતરે બસનું મેઇન્ટેનન્સ કરવામાં આવતું હોટ તો કદાચ આજે આ દુર્ઘટના ન ઘટી હોત જો કે સદનસીબે કોઇ જાનહાની થવા પામી નથી. તાજેતરમાં જ ત્રણ દિવસ પહેલા સુરતના વરાછા વિસ્તારમાં એક ખાનગી ટ્રાવેલ્સમાં આગ લાગતા એક મહિલાનું મોત નિપજ્યું હતું.