શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 27 નવેમ્બર 2021 (10:39 IST)

સુરતમાં એક લિટર તેલ મફત આપતાં વેક્સિનનો બીજો ડોઝ લેનારાની સંખ્યા 3 હજાર વધી

કોરોનાની રસીનો બીજો ડોઝ લેવામાં ઉદાસીન 6,42,800ને પ્રોત્સાહિત કરવા પાલિકાએ જાહેર કરેલી ‘રસી લો તો 1 લિટર તેલ ફ્રી’ સ્કીમ સફળ થઇ છે. ગુરૂવારે 17 હજારે બીજો ડોઝ મુકાવ્યો હતો. જોકે શુક્રવારે તેલનું પાઉચ ફ્રી મેળવવા કેન્દ્રો પર લાઇનો લાગી હતી. પહેલા દિવસે 20,048એ રસી મુકાવી હતી. ગોડાદરા કેન્દ્ર ખાતે કેટલીક મહિલાઓએ આવીને કહ્યું હતું કે, અમે ગઈકાલે જ રસી મુકાવી છે તો તેલનું પાઉચ આપો. જોકે, બંને ડોઝ લીધા હોવાનું જણાતા આવા લોકોને પરત મોકલાયા હતા. બીજો ડોઝ મેળવવાના બાકી સૌથી વધુ લોકો લિંબાયત-ઉધનામાં હોવાથી તેલ ફ્રી આપવાની સ્કીમ પ્રોત્સાહન પૂરું પાડશે તેવી અપેક્ષા યોગ્ય ઠરી હતી. ખાસ કરીને શ્રમિક વિસ્તારોમાં લોકો નોકરીમાંથી સમય મળતો ન હોવાના કારણે બીજો ડોઝ લઇ શક્યા ન હતા.

પાલિકાની તેલ ફ્રીની સ્કીમનો લાભ લેવા લિંબાયત અને ઉધનાના કેટલાક સેન્ટરો પર રસી લેવા સવારથી જ ધસારો જોવા મળ્યો હતો. ઘણા કેન્દ્રો પર તેલ માટે એલિજીબલ ન હોવા છતાં તકરાર કરનારાઓ સાથે સ્ટાફની માથાકૂટ થઇ હતી. પાડોશીને તેલનું પાઉચ ફ્રી મળ્યું હોવાનું જાણી ઘણા રસીના 2 સર્ટી લઇને દોડી આવ્યાં હતાં. નિલગીરી કેન્દ્ર પર એક યુવકે બે ડોઝ લીધાં હોવા છતાં લાઇન લગાવી હતી. તેણે કાઉન્ટર પર કહ્યું કે, ‘ત્રીજો ડોઝ આપવો હોય તોય કશું વાંધો નહીં’ આખરે માર્શલે કોલર પકડી બહાર કાઢ્યો હતો.