ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 એપ્રિલ 2022 (14:26 IST)

ગુજરાતનું સૌથી જૂનું ૫૦૦ વર્ષની આયુ ધરાવતું બહેડાનું વૃક્ષ તાપી જિલ્લાના ચુનાવાડી ગામમાં

દક્ષિણ ગુજરાત એટલે ગાઢ જંગલોનો પ્રદેશ. અહીં અનેક જાતની ઔષધિય મૂલ્યો ધરાવતી વનસ્પતિઓ, નાના છોડ અને વેલ સ્વરૂપે જોવા મળે છે. તાપી જિલ્લાના પ્રખ્યાત પદમડુંગરી ઈકો ટુરિઝમ વિસ્તારમાં ઉનાઈથી ૧૮ કિ.મી.દુર ચુનાવાડી ગામે અંદાજિત ૫૦૦ વર્ષ જૂનું બહેડાનું તોતિંગ વૃક્ષ આજે પણ અડીખમ ઉભું છે. આ વૃક્ષ જોવા મોટી સંખ્યામાં પદમડુંગરી આવતાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વનવિભાગ દ્વારા તેની યોગ્ય દેખરેખ અને જાળવણી કરવામાં આવે છે.
ઔષધિય ગુણો ધરાવતા બહેડાનું વૈજ્ઞાનિક નામ Terminalia bellirica અંગ્રેજીમાં Bedda nuts, ગુજરાતીમાં બહેડો, હિન્દીમાં હલ્લા બહેડા,  સંસ્કૃતમાં વિભીદક છે. મહુડાના વૃક્ષ જેવા પાન ધરાવતા બહેડાના વૃક્ષના ફુલ તેમજ ફળ, છાલનો ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. બહેડાના વૃક્ષો સમગ્ર ભારતમાં જોવા મળે છે. ડાંગ, વલસાડ, તાપી, નવસારી, સુરત, નર્મદા વિગેરે જિલ્લાઓના જંગલોમાં મહત્તમ જોવા મળે છે. પરંપરાગત ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન સમયથી વનસ્પતિઓના પાન, ફુલ, છાલ, મૂળ વિગેરે જડીબુટ્ટી તરીકે વિવિધ રોગોના ઉપચાર માટે ઉપયોગમાં લેવાય છે. જેની માત્રા ૩ થી ૫ ગ્રામ લેવાની હોય છે.
 
ઉનાઈ રેન્જ વિસ્તારના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઋચિ દવેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની ઉનાઈ રેન્જ સ્થિત પદમડુંગરી ઈકોટુરિઝમ નજીક ચુનાવાડી ગામની સરહદે અંબિકા નદીને કાંઠે અંદાજીત ૫૦૦ વર્ષ જૂનું ગુજરાતનું એકમાત્ર બહેડાનું ખૂબ જ પ્રાચીન વૃક્ષ આવેલું છે. આ મહાકાય વૃક્ષની વન વિભાગ દ્વારા જાળવણી કરવામાં આવી છે. સાત વ્યક્તિઓ એકસાથે હાથ ફેલાવી બાથ ભરે ત્યારે બહેડાના આ કદાવર વૃક્ષના થડને માપી શકાય છે. 
 
અહીં અંબિકા નદીનો કાંપ પ્રદેશ હોવાથી ઉનાઈ રેન્જની ૧૨ હજાર હેક્ટર જમીનમાં અનેક દુર્લભ વૃક્ષ જોવા મળ્યા છે. ૮૩૨ સે.મી. પરિઘ ધરાવતું આ બહેડાનું વૃક્ષ ખરેખર દુર્લભ વૃક્ષ છે. તેમણે એક રસપ્રદ વાત જણાવતાં કહ્યું કે, કોઈ પણ વૃક્ષ ૧૦૦ વર્ષની આવરદા પૂરી કરે તો તેના થડનો ઘેરાવો એક મીટર જેટલો વધે. એ ન્યાયે ઓછામાં ઓછી ૫૦૦ વર્ષ અને મહત્તમ ૮૦૦ વર્ષ પણ હોવાની પ્રબળ શક્યતાઓ છે.
 
તેઓ વધુમાં કહે છે કે, વર્તમાન યુગમાં માનવીએ સુખ-સુવિધાઓ વધારવા માટે જંગલોના વૃક્ષોનો બેફામ ઉપયોગ કરી રહયો છે. જંગલોનું નિકંદન થઈ રહ્યું છે, ત્યારે આવનારી પેઢીના સુખમય ભવિષ્ય માટે વૃક્ષોનું જતન ખૂબ જ જરૂરી છે. હાલમાં જ કોરોનાના કપરા સમયમાં માનવીને વૃક્ષોનું મૂલ્ય સુપેરે સમજાયું છે. વધુમાં વધુ વૃક્ષો વાવી તેને ઉછેરી આપણાં પાંખા થયેલા જંગલોને ગાઢ બનાવી આપણી ધરતીને લીલીછમ બનાવીએ એ જરૂરી હોવાનું ઋચિ દવે ભારપૂર્વક જણાવે છે.
 
બહેડાના અનેકવિધ ઔષધિય ગુણો અંગે ઋચિ દવેએ વિગતો આપતાં કહ્યું કે, વાત, પિત્ત અને કફ ત્રણે દોષો માટે બહેડો ઉત્તમ ઔષધ છે. બહેડાનું તેલ વાળ કાળા કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આંખો માટે ઉપયોગી અને કફયુક્ત રોગો માટે ખૂબ સારા ગુણો બહેડામાં રહેલા છે. નાની બદામ આકારના તેના ફળોને ઔષધિય ચૂર્ણ બનાવીને ગામડાના વૈદરાજો ઉપચાર માટે ઉપયોગમાં લે છે. આ ઉપરાંત, વાળ સફેદ થતા રોકવામાં, કંઠ સબંધિત રોગોમાં ઉપયોગી છે. લોહીની ઉણપ દૂર કરવા તથા આંખના મોતિયા માટે પણ બહેડો ગુણકારી નિવડે છે. બહેડો પાચક અને વિરેચક છે. આંખ, નાક, વાળ, હ્રદયરોગ, ડાયાબિટીસ, ડાયેરીયા, ટાઈફોઈડ, સોજો ઉતારવો, નપુસંકતા અને ચામડી સબંધિત રોગો સામે અકસીર જડીબુટ્ટી છે.
 
આદિવાસી લોકો રવિવાર, મંગળવારે બહેડાના વૃક્ષનું પૂજન કરી પૂર્વ, ઉત્તર દિશામાં મુખ રાખી વૃક્ષના પાન, મૂળની માંગણી કરે છે. ત્યારબાદ પાન, મૂળને લાલ કપડાંમાં વિંટાળીને તિજોરી અથવા ઘરના મંદિરમાં રાખે છે, શ્રદ્ધાપૂર્વક પોતાના આરાધ્ય દેવનું પૂજન કરી ધન્યતા અનુભવે છે. કલ્પવૃક્ષ સમાન આ વૃક્ષની પૂજા અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે એવી આદિવાસી સમાજની આસ્થા પણ જોડાયેલી છે.