સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 એપ્રિલ 2022 (12:15 IST)

પ્રધાનમંત્રી મોદીનો ગુજરાતમાં રોડ શો - 10 હજારથી વધુ લોકો માનવ સાંકળ રચી વડાપ્રધાનને આવકારશે

modi gujarat visit
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.18 એપ્રિલથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર સુધી વડાપ્રધાનના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ પર આવશે ત્યારે રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ એરપોર્ટથી તાજ સર્કલ, ઇન્દિરાબ્રિજ સુધીના રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્દિરા બ્રિજ થઇ તેઓ સીધા ગાંધીનગર જશે. તાત્કાલિક ધોરણે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના પગલે તાબડતોડ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આશરે 10 હજારથી વધુ લોકો માનવ સાંકળ રચી વડાપ્રધાનને આવકારશે.

 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે અત્યાધુનિક મોનિટરીંગ રૂમમાંથી ગુજરાતભરના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, મુખ્ય શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણ ક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે.
વૈશ્વિકકક્ષાના વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરીની સમગ્રતયા વિગતો આપતા શિક્ષણ વિભાગે જણાવ્યુ હતું કે,  ગુજરાતમાં શાળાકીય શિક્ષણમાં આશરે 2.4 લાખ શિક્ષકો, 10,000 જેટલો સુપરવીઝન માટેનો સ્ટાફ મળી કુલ આશરે 2.5 લાખ કરતાં વધારે કર્મચારીઓ કાર્યરત છે. 
 

જે રાજ્ય સરકારના કુલ કર્મચારીઓના આશરે 51% જેટલા છે. આ તમામ કર્મચારીઓના અસરકારક મોનીટરીંગ અને સપોર્ટ માટે તથા વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમના સતત મોનીટરીંગ અને સુધારણા માટે ટેક્નૉલૉજી આધારિત વ્યવસ્થા ઊભી કરવી અત્યંત જરૂરી હતી. જેના ભાગરૂપે પ્રથમ વાર શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ રિયલ ટાઈમ ઓનલાઈન મોનીટરીંગ માટે વર્ષ 2019માં શિક્ષણ ક્ષેત્રનું દેશનું સર્વ પ્રથમ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર-સીસીસીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેના માધ્યમથી ડેટા આધારિત જરૂરી ઈનપુટ તેમજ તેના આધારે રાજ્યના વિદ્યાર્થીઓના લર્નિંગ આઉટકમમાં જરૂરી સુધારો થાય અને શિક્ષણ સફળતાનો ગ્રાફ ઉંચો આવે તે માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી વિવિધ કામગીરી કરવામાં આવે છે. 
 
આ સિવાય શાળાઓના મુખ્ય શિક્ષકો પરથી વહીવટી કામગીરીનું ભારણ ઘટાડવા તથા સમગ્ર વહીવટી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સ્કૂલ એડમિનિસ્ટ્રેશન સોફ્ટવેર તૈયાર કરી અમલમાં મૂકવામાં આવ્યું છે જેથી મુખ્ય શિક્ષકોનો સમય હવે બાળકોના વધુ સારા અભ્યાસમાં મદદરૂપ બનશે.  વિદ્યા સમીક્ષા કેન્દ્ર શિક્ષણ વિભાગના તમામ ઇન્ટરવેન્શન્સ માટે નર્વ સેન્ટર તરીકે કાર્યરત છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આ તમામ ઈનીશીએટિવ માટે ખાસ ડેશબોર્ડસ તૈયાર કરવામાં આવેલા છે. 
 
આ ડેશબોર્ડસ દ્વારા મુખ્યમંત્રીના ડેશબોર્ડ પર પણ સતત ડેટા પૂરો પાડવામાં આવે છે. શિક્ષણ વિભાગે ગૌરવભેર જણાવ્યું હતું કે, વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરી તથા ઉપયોગિતા અને તેના દ્વારા મળેલા પરિણામોની નોંધ કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ સચિવશ્રી, હાયર અને ટેકનિકલ શિક્ષણ સચિવ, સીબીએસઇના ચેરમેન, નિતી આયોગના ડાયરેક્ટર જનરલ અને નીતિ આયોગના સિનિયર એડવાઇઝર દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લઇ ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિ મંડળે એક વિશેષ સ્ટડી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમના દ્વારા દેશના તમામ રાજ્યોને ગુજરાતના આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર મોડેલનું શિક્ષણ ક્ષેત્રે અનુકરણ કરવા પણ જણાવવામાં આવ્યું છે. 
 
શિક્ષણ વિભાગે વધુમાં કહ્યું હતું કે દેશના અન્ય રાજ્યો જેવા કે અરુણાચલ પ્રદેશ, ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા, રાજસ્થાન, ઉત્તરાખંડ વગેરે રાજ્યોના શિક્ષણ વિભાગના સચિવશ્રીની આગેવાનીમાં ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ દ્વારા પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની પ્રત્યક્ષ મુલાકાત લેવામાં આવી છે. આ બધાજ રાજ્યો દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી પ્રેરણા લઈ તેમના રાજ્યમાં આજ પ્રકારનું  વિદ્યા સમીક્ષા કેન્દ્ર સ્થાપવાની દિશામાં પ્રયત્નો ચાલુ કર્યા છે. 
 
આ સિવાય વિદ્યા સમીક્ષા કેન્દ્રની કામગીરીની નોંધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ જેવી કે વર્લ્ડ બેંક, OECD,બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર, યુનિસેફ, કેમ્બ્રિજ વગેરેના પ્રતિનિધિ મંડળો દ્વારા રૂબરૂ અભ્યાસ મુલાકાત કરવામાં આવી છે. તાજેતરમાં વર્લ્ડ બેન્કના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ વિદ્યા સમીક્ષા કેન્દ્રને ગ્લોબલ બેસ્ટ પ્રૅક્ટિસ તરીકે વિશ્વના અન્ય દેશો સમક્ષ લઈ જવાનો નિર્ણય કર્યો છે. આગામી સમયમાં વર્લ્ડ બેંક દ્વારા વિશ્વના અનેક દેશોને વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત કરાવી અભ્યાસ કરાવવામાં આવશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. 
 
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે એક અત્યંત જરૂરી એવી નવિન તક ઊભી થઇ છે જેનો ગુજરાતના મહત્તમ 1.15 કરોડ વિદ્યાર્થીઓને વિશેષ લાભ મળી રહ્યો છે તેમ શિક્ષણ વિભાગે વિદ્યા સમીક્ષા કેન્દ્રની વિગતો આપતા ઉમેર્યુ હતું.
 
વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન આપશે
વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર સ્થિત શિક્ષણક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ- વિદ્યા સમીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે વડાપ્રધાન સીધો ઈ-સંવાદ કરીને શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે.