શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 એપ્રિલ 2022 (15:36 IST)

પ્રધાનમંત્રીએ PMએ ડૉ. ટેડ્રોસ ગેબ્રેયેસસને ને ગુજરાતી નામ 'તુલસીભાઈ' આપ્યું

GCTM modi
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાતના ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ)ના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ગેબ્રેયસસ આ પ્રસંગે હાજર હતા. કેન્દ્રીય મંત્રીઓ ડૉ.મનસુખ માંડવિયા, સર્બાનંદ સોનોવાલ, મુંજપરા મહેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ દિવસીય સમિટમાં લગભગ 90 પ્રતિષ્ઠિત વક્તાઓ અને 100 પ્રદર્શકોની હાજરી સાથે 5 પૂર્ણ સત્ર, 8 રાઉન્ડ ટેબલ, 6 વર્કશોપ અને 2 સિમ્પોઝિયમ આયોજિત કરાયા છે. આ સમિટ રોકાણની સંભાવનાને ઉજાગર કરવામાં મદદ કરશે અને નવીનતા, સંશોધન અને વિકાસ, સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ અને વેલનેસ ઉદ્યોગને વેગ આપશે. તે ઉદ્યોગના નેતાઓ, શિક્ષણવિદો અને વિદ્વાનોને એકસાથે લાવવામાં મદદ કરશે અને ભાવિ સહયોગ માટે એક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે.
 
ડૉ. ટેડ્રોસ ગેબ્રેયસસે મહાત્મા ગાંધીનાં રાજ્ય અને દેશમાં હાજર રહેવાની ખુશી વ્યક્ત કરી હતી જેને તેમણે 'વિશ્વનું ગૌરવ' ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)ની શરૂઆત પાછળ 'વસુધૈવ કુટુમ્બકમ'ની ભારતની ફિલસૂફી પ્રેરક શક્તિ છે. તેમણે કહ્યું કે આ કેન્દ્રની સ્થાપના ઐતિહાસિક છે અને તે ગેમ ચેન્જર સાબિત થશે. તેમણે માહિતી આપી હતી કે આ કેન્દ્રને પુરાવા, ડેટા અને ટકાઉપણું અને પરંપરાગત દવાઓના ઉપયોગના ઑપ્ટિમાઇઝેશનની કાર્યસૂચિને આગળ વધારવા માટે નવીનતાના એન્જિન તરીકે ડિઝાઇન કરવામાં આવ્યું છે. 
 
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે  “આપણે આયુષ દવાઓ, સપ્લિમેન્ટ્સ અને સૌંદર્ય પ્રસાધનોનાં ઉત્પાદનમાં પહેલેથી જ અભૂતપૂર્વ વૃદ્ધિ જોઈ રહ્યા છીએ. 2014માં, જ્યાં આયુષ ક્ષેત્ર 3 અબજ ડૉલરથી ઓછું હતું, આજે તે વધીને 18 અબજ ડૉલરથી વધુ થઈ ગયું છે." તેમણે કહ્યું કે આયુષ મંત્રાલયે પરંપરાગત દવાઓનાં ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કલ્ચરને પ્રોત્સાહિત કરવા માટે ઘણાં મોટાં પગલા લીધાં છે. થોડા દિવસો પહેલા ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઑફ આયુર્વેદ દ્વારા વિકસિત ઈન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, એમ નરેન્દ્ર મોદીએ માહિતી આપી હતી. 
 
નરેન્દ્ર મોદીએ એ પણ માહિતી આપી હતી કે FSSAI એ ગયા અઠવાડિયે તેના નિયમોમાં 'આયુષ આહાર' નામની નવી શ્રેણીની જાહેરાત કરી છે. આ હર્બલ ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સના ઉત્પાદકોને મોટા પ્રમાણમાં સુવિધા આપશે. તેવી જ રીતે, ભારત પણ એક વિશેષ આયુષ ચિહ્ન બનાવવા જઈ રહ્યું છે. આ ચિહ્ન ભારતમાં બનેલા ઉચ્ચતમ ગુણવત્તાવાળા આયુષ ઉત્પાદનો પર લાગુ કરવામાં આવશે. આ આયુષ ચિહ્ન આધુનિક ટેકનોલોજીની જોગવાઈઓથી સજ્જ હશે. "આનાથી વિશ્વભરના લોકોને ગુણવત્તાયુક્ત આયુષ ઉત્પાદનોનો વિશ્વાસ મળશે," એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે દેશભરમાં આયુષ ઉત્પાદનોને ઉત્તેજન, સંશોધન અને ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે સરકાર આયુષ પાર્ક્સનું નેટવર્ક વિકસાવશે. આ આયુષ ઉદ્યાનો ભારતમાં આયુષ ઉત્પાદનને નવી દિશા આપશે.
 
પરંપરાગત દવાઓની સંભવિતતાઓ વિશે વાત ચાલુ રાખતા, પ્રધાનમંત્રીએ કેરળનાં પ્રવાસનને વધારવામાં પરંપરાગત દવાઓની ભૂમિકાની નોંધ લીધી હતી. “આ સંભાવના ભારતના દરેક ખૂણામાં છે. 'હીલ ઈન ઈન્ડિયા- ભારતમાં ઉપચાર' આ દાયકાની મોટી બ્રાન્ડ બની શકે છે” એમ તેમણે કહ્યું હતું. આયુર્વેદ, યુનાની, સિદ્ધ વગેરે પર આધારિત સુખાકારી કેન્દ્રો ખૂબ જ લોકપ્રિય બની શકે છે, તેમણે જણાવ્યું હતું. આને આગળ વધારવા માટે, પ્રધાનમંત્રીએ ચાલુ રાખતા કહ્યું કે, સરકાર આયુષ ઉપચારનો લાભ લેવા ભારત આવવા માગતા વિદેશી નાગરિકો માટે બીજી પહેલ કરી રહી છે. “ખૂબ જ ટૂંક સમયમાં, ભારત એક વિશેષ આયુષ વિઝા શ્રેણી રજૂ કરવા જઈ રહ્યું છે. આનાથી લોકોને આયુષ ઉપચાર માટે ભારતની મુસાફરી કરવાની સુવિધા મળશે” એમ પ્રધાનમંત્રીએ જાહેર કર્યું હતું.
 
પ્રધાનમંત્રીનું સંબોધન ખૂબ જ વ્યક્તિગત અને રસપ્રદ નોંધ પર સમાપ્ત થયું. ડૉ. ટેડ્રોસ ગેબ્રેયસેસનાં  ભારત પ્રત્યેના પ્રેમ અને ભારતીય શિક્ષકો પ્રત્યેનો તેમનો આદર અને ગુજરાત પ્રત્યેના તેમના સ્નેહનું વર્ણન કરતા નરેન્દ્ર મોદીએ તેમને ગુજરાતી નામ 'તુલસીભાઈ' આપ્યું હતું. તેમણે શ્રોતાઓને અને ખુશ થયેલા ડબલ્યુએચઓના ડીજીને ભારતીય પરંપરામાં તુલસીનાં શુભ અને ઉત્કૃષ્ટ દરજ્જાને સમજાવ્યો હતો અને તેમનો અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જુગનાથનો તેમની હાજરી માટે આભાર માન્યો હતો.