શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 12 ઑગસ્ટ 2022 (07:55 IST)

ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ખાતેથી કરાવાશે સ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાખાનો શુભારંભ

Gujarat National Law University
સ્કૂલ ઓફ ડ્રોન ક્ષેત્રે તાલીમ મેળવ્યા બાદ એગ્રીકલ્ચર, લેન્ડ સર્વેયિંગ, ડીઝાસ્ટર, ગુના સંશોધન, એરિયલ ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી, વિજીલન્સ મોનીટરીંગ, સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતના યુવાધનને રોજગારી તથા સ્વ-રોજગારીની વિપુલ તકોનું સર્જન થશે
 
વિશ્વભરમાં ટેકનોલોજીકલ ક્રાંતિની સાથે કદમ મિલાવવા તેમજ દેશનું યુવાધન અદ્યતન ટેકનોલોજીથી સતત અપડેટ રહે, પોતાની સ્કિલને વધુ સારી રીતે એપ્લાય કરી શકે, રી સ્કીંલીંગ, અપ-સ્કીલીંગ કરી શકે અને આધુનિક ટેકનોલોજીકલ યુગ સાથે સમન્વય સાધી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા અદ્યતન ટેકનોલોજીકલ સ્કિલ શીખવવા લેટેસ્ટ અભ્યાસક્રમો શરૂ કરવા આવશ્યક બન્યા છે. 
 
જેને અનુસંધાને ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી, ગાંધીનગર ખાતેથી ‘કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી’ હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે આગામી તા.૧૩મી ઓગસ્ટ-૨૦૨૨ના રોજ સવારે ૧૧ વાગ્યે સ્કૂલ ઓફ ડ્રોન વિદ્યાશાખાનો શુભારંભ કરાવવામાં આવશે. આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બ્રિજેશ કુમાર મેરજા તથા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.
 
ડ્રોન ટેકનોલોજી એક વિકસિત થઈ રહેલું ક્ષેત્ર છે, જેનો વ્યાપક ઉપયોગ કૃષિ ક્ષેત્રે ખાતર અને જંતુનાશકોના છંટકાવ તથા કૃષિ ઉપજની ઉત્પાદકતા વધારવા, ટ્રાફિક મેનેજમેન્ટ માટે, જમીન સર્વે તથા આરોગ્ય સેવામાં લોહી કે માનવ અંગોને પહોંચાડવા તેમજ ઈ-કોમર્સ ક્ષેત્રે થવાની સંભાવના છે, જેથી તાલીમબદ્ધ ડ્રોન પાયલટની માંગ વધશે. હાલમાં દેશમાં ફક્ત ૨૫ જેટલી ખાનગી સંસ્થાઓ દ્વારા આવી તાલીમ માટે રૂ. ૫૦ હજાર થી ૭૦ હજાર જેટલી ફી લેવામાં આવે છે. તેની સામે આ યુનિવર્સીટી દ્વારા આવા જ પ્રકારના કોર્ષ માટે નજીવી ફી લઇ તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
 
ભારત સરકારના ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશન (DGCA) વિભાગ દ્વારા ડ્રોન પાયલટ તાલીમ ખૂબ જ સંવેદનશીલ તેમજ જાહેર સુરક્ષાને સ્પર્શતી હોઇ કડક મંજૂરી પ્રક્રીયા હાથ ધરવામાં આવે છે. રાજ્યની કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા આ માટે આગોતરું આયોજન હાથ ધરી આ મંજૂરી મેળવવા તમામ તૈયારી પૂર્ણ કરી મંજૂરી મેળવી છે. અત્યાર સુધી ૫૯ જેટલા ITI ના ઇન્સ્ટ્રકટરને ડ્રોન માસ્ટર પાયલટ ટ્રેનર તરીકે તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા છે. કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી હેઠળ સ્કૂલ ઓફ ડ્રોન દ્વારા સિવિલ એવીએશન ઓથોરીટી, ભારત સરકારના નિયત કરવામાં આવેલા ધારાધોરણ અનુસાર તાલીમ સુવિધા સ્થાપિત કરવામાં આવેલી છે.
 
આ સમગ્ર સુવિધાનું ડાયરેક્ટર જનરલ સિવિલ એવીએશન (DGCA), ભારત સરકાર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી અને આ સુવિધા યોગ્ય જણાતા ભારત સરકાર દ્વારા સ્કિલ યુનિવર્સિટીને ડ્રોન પાયલટ તાલીમ માટે DGCA અધિકૃત રીમોટ પાયલટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝેશન (RPTO) મંજૂરી આપવામાં આવેલી છે. કૌશલ્યા- ધ સ્કિલ યુનિવર્સિટી આ પ્રકારની મંજૂરી મેળવનાર સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય યુનિવર્સિટી છે.
 
સ્કૂલ ઓફ ડ્રોન ક્ષેત્રે તાલીમ મેળવ્યા બાદ એગ્રીકલ્ચર, લેન્ડ સર્વેયિંગ, ડીઝાસ્ટર, ગુના સંશોધન, એરિયલ ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી, વિજીલન્સ મોનીટરીંગ, સંરક્ષણ જેવા વિવિધ ક્ષેત્રોમાં ભારતના યુવાધનને વિપુલ પ્રમાણમાં રોજગારી તથા સ્વ-રોજગારીની તકોનું સર્જન થશે. ડ્રોન ટેકનોલોજીની જરૂરિયાત જેટલી દેશના શહેરોમાં છે તેટલા જ પ્રમાણમાં આ ટેકનોલોજીની જરૂરિયાત ગામડાઓમાં પણ રહેલી છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે તેની ખુબ જરૂરિયાત રહેલી છે. આ યુનિવર્સીટી દ્વારા આપવામાં આવતી તાલીમમાં માત્ર થિયરોટીકલ જ નહિ પરંતુ ઉચ્ચ કક્ષાનું પ્રાયોગિક કૌશલ્ય મેળવી શકે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.