રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2017 (13:02 IST)

અમેરિકામાં હકાલપટ્ટીથી ગુજરાતીઓ ચિંતાતુર, અમેરિકાના મોટેલ ઉદ્યોગમાં ચરોતરનો સિંહફાળો

અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારથી જ અવિચારી નિર્ણયો લેતા તેની વ્યાપક અસરો દેશ અને દુનિયામાં વર્તાઇ રહી છે. ત્યારે તાજેતરમાં જ યુએસએમાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને હાંકી કાઢવાનો તઘલખી નિર્ણય લેવાયો છે. જેની સૌથી વધુ અને સીધી અસર રાજ્યના મધ્યગુજરાતના એનઆરઆઇ હબ ચરોતર પ્રદેશના વિદેશ સ્થિત પરિવારોને પહોંચશે. તેમજ ઉત્તર ગુજરાતમાંથી જઇ અમેરિકામાં સ્થાયી થયેલા લોકોને અસર થશે. જો કે આ મુદ્દાને લઇને સ્થાનિક પરિવારોમાં ચિંતાનુ મોજું ફરી વળ્યું છે.

આણંદ-ખેડા જિલ્લાના 700 ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજીત 20 હજાર લોકો ડોલરીયા દેશ અમેરિકામાં છેલ્લા ઘણાં વર્ષોથી સ્થાયી થયા છે. વર્ષો અગાઉ દરિયાઇ માર્ગે એક દેશમાંથી બીજા દેશમાં જવા માટેનો ક્રેઝ એટલી હદે વધ્યો હતો કે જર, જમીન, મકાન-મિલ્કત વેચીને કેટલાક પરીવારો સ્થાયી થયા હતા. સમયાંતરે તેઓએ પરિવારના અન્ય સભ્યોને પણ યુએસએ બોલાવીને સ્થાયી કર્યા છે. પરંતુ આજે કેટલાયે હજારો પરિવારો એવા છે કે તેઓને ત્યાંનો વર્ષો સુધી રહેવા છતાં પણ વસવાટનો અધિકાર મળ્યો નથી. માત્ર ખાનગી સ્ટોર, દુકાનો, રેસ્ટોરંટો, મોટેલોમાં કામ કરીને ગુજરાન ચલાવવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. તેવી વિકટ પરિસ્થિતિમાં ટ્રમ્પ દ્વારા નવી ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ પોલિસી લાગુ કરી નોન ઇમીગ્રન્ટ લોકોને ડિપોર્ટ કરવાનો તખ્તો ઘડાયો છે. જેથી આણંદ, કરમસદ, વિદ્યાનગર, સોજીત્રા, પેટલાદ, ખંભાત, નડિયાદ, ઉમરેઠ, બોરસદ, કપડવંજ, કઠલાલ, બાલાસિનોર, માતર, વસો, ધર્મજ, પલાણા, ડભાણ, ભાદરણ, પીપળાવ સહિતના શહેરી-ગ્રામ્ય વિસ્તારોમાંથી યુએસએસ સ્થાયી થયેલા એનઆરઆઇના સ્થાનિક પરીવારજનોમાં ચિંતા ફેલાઇ છે. જેમાં એક યા બીજા કારણોસર અજાણપણે ઇમીગ્રેશન નિયમોનો ભંગ કરનાર, કાયમી વસવાટ માટે જરૃરી દસ્તાવેજોનો અભાવ, ટ્રાફિકભંગ માટે કડક નિયમો સહિતના કિસ્સાઓમાં અમેરિકન-ભારતીયો સામે ઘરવાપસીનુ ગ્રહણ તોળાય તેવી શક્યતાઓએ ચરોતર પંથકમાં હલચલ સર્જી છે.

વોશિંગ્ટન, કેલિફોર્નિયા, શિકાગો, ડ્રેટોઇટ, મીશીગન, ન્યુયોર્ક, પેનસીલવેનિયા જેવા અનેક વિસ્તારોમાં સી સાઇટ ઉપર ધમધમતા હોટેલ-મોટેલ બિઝનેશમાં ચરોતરના ધનાઢય પરીવારોનુ સૌથી મોટુ રોકાણ કરીને વ્યવસાયનો વિસ્તાર કર્યો છે. જોકે નિર્ણયને લઇને હોટલ ઉદ્યોગને પણ અસર પહોંચે તે વાત પણ નિશ્ચિત બની છે. વર્ષોથી યુએસએમાં સ્થાયી થયેલા પરીવારોમાં લગ્ન કરીને ગયેલી પરીણિતા કે પુત્રીના હસબન્ડ, ધંધા-અભ્યાસ માટે સ્પોન્સર્ડ કરી વતનમાંથી બોલાવેલા સગા-સબંધીઓ, કુટુંબના સંતાનો કે જેઓ હાલમાં યુએસએમાં ગયા હોય, એક યા બીજા કારણોસર પારિવારિક સભ્યોના ઇમીગ્રેશન દસ્તાવેજો અપુરતા હોય તેવા કુંટુંબોમાંથી નિયમોનુસાર એકાદ-બે સભ્યો ડિપોર્ટ થાય તો પરીવારો વિખુટા પડે તેવી ભીતી સેવાઇ રહી છે.