ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (14:58 IST)

વડોદરામાં બન્યો વિચિત્ર કિસ્સોઃ ભરણપોષણ નહીં ચૂકવતાં વોરંટ નિકળ્યું ને વાજતે-ગાજતે પોલીસ સ્ટેશન પહોંચ્યો પતિ

વડોદરામાં બનેલા એક વિચિત્ર કિસ્સામાં પત્નીને ભરણપોષણ ન ચૂકવી શકનારા પતિ સામે જ્યારે કોર્ટે અરેસ્ટ વોરન્ટ કાઢ્યું, ત્યારે આ પતિ વાજતે-ગાજતે સામેથી જ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પતિનું કહેવું છે કે, તે જેલ જવા તૈયાર છે, પરંતુ પત્નીને ભરણપોષણ આપવા નહીં. સોમવારે સવારે વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશને જ્યારે એક વ્યક્તિ ગળામાં ફુલોના હાર પહેરી વાજતે-ગાજતે આવ્યો ત્યારે પોલીસકર્મીઓ પણ ઘડીભર આશ્ચર્યમાં મૂકાઈ ગયા. હેમંત રાજપૂત નામના આ વ્યક્તિ સામે અરેસ્ટ વોરંટ નીકળ્યું હતું. પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા બાદ હેમંતે તેને 27 મહિનાથી કોર્ટે નક્કી કર્યા અનુસાર મહિનાનું 3,500 રુપિયા ભરણપોષણ નહોતું આપ્યું.રવિવારે પોલીસ હેમંતના ઘરે જઈ વોરન્ટની બજવણી કરી આવી હતી. જોકે, તે વખતે તે ઘરે ન હોવાથી પોલીસે તેને સોમવારે હાજર થઈ જવાનું કહ્યું હતું. સોમવાર હેમંત પોલીસ સ્ટેશન હાજર તો થયા, પરંતુ અલગ અંદાજમાં. તેને પોલીસ સ્ટેશન મૂકવા માટે તેના માતા-પિતા તેમજ દોસ્તો પણ આવ્યા હતા. દોસ્તોએ તો હેમંતને ખભે બેસાડી દીધો હતો. ત્યારબાદ તેને કોર્ટમાં લઈ જવાયો હતો, જ્યાં તેને 270 દિવસની સાદી કેદની સજા ફટકારાઈ હતી. કોર્ટે હેમંતને તેની પૂર્વ પત્ની સુનિતાને દર મહિને સાડા ત્રણ હજારનું ભરણપોષણ ચૂકવવા આદેશ કર્યો હતો. જોકે, હેમંતે 27 મહિનાથી કોઈ પૈસા ન આપતા સુનિતાએ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે તેને 95,500 રુપિયા ચૂકવવા આદેશ કર્યો હતો, પરંતુ હેમંતે પૈસા આપવાને બદલે જેલ જવાનું પસંદ કર્યું હતું. હેમંતનો દાવો છે કે, તેની પત્ની તેના કરતા વધારે કમાય છે.હેમંતના જણાવ્યા અનુસાર, સુનિતા સાસુ-સસરા સાથે રહેવા તૈયાર નહોતી, જ્યારે તે મા-બાપને છોડી શકે તેમ નહોતો. જેના કારણે બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યાં હતાં, અને આખરે બંનેનાં છૂટાછેડા થયા હતા. કોર્ટે તેમને છૂટાછેડા આપ્યા હતા, પરંતુ હેમંતને મહિને સાડા ત્રણ હજાર ચૂકવવા પણ આદેશ કર્યો હતો.