ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (12:24 IST)

Shopping Festival -શોપિંગ ફેસ્ટિવલનાં આયોજનથી નિરાશ થયેલા સીએમ રૂપાણીએ અધિકારીઓને ખખડાવ્યા

વડાપ્રધાન મોદી 17 જાન્યુઆરીએ અમદાવાદના રિવરફ્રંટ પર શરૂ થનારા વાયબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કરવાના છે, આ શોપિંગ ફેસ્ટિવલને આડે માત્ર 7 દિવસની જ વાર છે, ત્યારે આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય એજન્સીઓ લોકો અને સ્ટોર માલિકોને પર્યાપ્ત માત્રામાં માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગઇ છે.
બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં શોપિંગ ફેસ્ટિવલ વિશે ચર્ચા થઇ હતી. જેમાં હજુ સુધી કોઇ યોગ્ય વ્યવસ્થા ન કરાઇ હોવાથી સીએમ વિજય રૂપાણીએ સીનિયર અધિકારીઓને ખખડાવ્યા હતા. અને આ અંગે કામ કરવા માટે ધ્યાન દોર્યું હતું. આ શોપિંગ ફેસ્ટિવલમાં 20,000 સ્ટોર માલિકો રજિસ્ટ્રેશન કરાવશે તેવી રાજ્ય સરકારની આશા સામે માત્ર બે હજાર સ્ટોર માલિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
સીએમ વિજય રૂપાણીએ શહેરી વિકાસ વિભાગ તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગના તે તમામ ઉચ્ચ અધિકારીઓનો ઉધડો લીધો હતો, જેઓ આ ઇવેન્ટનું આયોજન કરી રહ્યા છે. સીએમ  રૂપાણીએ કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ સમિટની સાથે થનારી તમામ ઇવેન્ટની તૈયારીઓ અંગે સમીક્ષા કરી હતી. તેઓ શોપિંગ ફેસ્ટિવલ માટેનું અયોગ્ય પ્લાનિંગ જોઇને નિરાશ થયા હતા. જે બાદ તેમણે ફેસ્ટિવલનું આયોજન કરી રહેલા શહેરી વિકાસ વિભાગ તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ખખડાવ્યા હતા.
વિજય રૂપાણીએ ચીફ સેક્રેટરી જે.એન. સિંહને પણ આ ફેસ્ટિવલમાં વધારેમાં વધારે રજિસ્ટ્રેશન માટે તમામ સચિવને પણ આમા સામેલ કરવા માટે કહ્યું હતું. અમદાવાદમાં 17 થી 28 જાન્યુઆરી સુધી શોપિંગ ફેસ્ટિવલ યોજાવાનો છે. જેમાં બમ્પર ડિસ્કાઉન્ટસની સાથે ગુજરાતી ડાયરો, સ્ટેન્ડઅપ કોમેડી પર્ફોમન્સ, ખાદી ફેશન શો, કોન્સર્ટ્સ, ફૂડ ફેસ્ટિવલ જેવી એટરટેનમેન્ટ ઇવેન્ટ્સ પણ હશે. ભવ્ય શોપિંગ ફેસ્ટિવલને લઇને અમદાવાદની હેરિટેજ બિલ્ડિંગ, રસ્તા, જાહેર સ્થળો, મોલ, સ્ટ્રીટ બજાર અને મોટા સ્ટોર્સને રોશનીથી શણગારાશે.