મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 જાન્યુઆરી 2019 (12:46 IST)

લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ભડકો થવાના એઘાણ, નારાજ નેતાઓએ કરી છે બેઠક

ગુજરાત કોંગ્રેસમાં નારાજગીના ઉકળતા ચરૂ બાદ હવે ધરખમ ફેરફારના એંધાણ વર્તાઇ રહ્યા છે. નેતાઓની નારાજગીને લઈને પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફાર થઇ શકે છે. જેમાં જિલ્લા પ્રમુખો બદલવામાં આવશે. લોકસભાની ચુંટણી પહેલા અનેક જિલ્લાના પ્રમુખો બદલાય તેવી શક્યતા છે. નારાજ નેતાઓએ હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરી છે. તેના પગલે લોકસભા સીટો જીતાડવા માટે જિલ્લાનું માળખુ બદલવાની માંગ કરાઇ છે. ગુજરાત કોંગ્રેસમાં સિનિયર-જુનિયર નેતાઓ વચ્ચેનો આંતરિક ડખો ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમાં જ દિનશા પટેલ સહિત 15 જેટલા આગેવાનોએ પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાના નિવાસે બંધબારણે બેઠક યોજી હતી, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતાં એવો સુર પુરાવ્યો હતો કે, પ્રદેશ પ્રમુખ સિનિયરોને ગણકારતાં નથી, મનઘડત નિર્ણયો લે છે, જસદણની ચૂંટણી હોય કે પછી કોઈ આંદોલનાત્મક કાર્યક્રમ હોય ત્યારે સિનિયરોની સલાહ લેવાતી નથી કે મિટિંગમાં તેમને બોલાવાતાં નથી.જસદણમાં યુવા નેતાગીરીની ભૂલના કારણે જ પરંપરાગત બેઠક કોંગ્રેસને ગુમાવવી પડી છે એટલે તેઓ પ્રદેશની નેતાગીરી સામે જ કોંગ્રેસ બચાવો અભિયાન શરૃ કરશે તેવો નિર્ણય કર્યો હતો અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ બળાપો કાઢવાનું જાહેર કર્યું હતું. મહત્ત્વનું છે કે, કોંગ્રેસને બચાવવા માટે નીકળેલા ખુદ મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ ભૂંડી રીતે વિધાનસભાની ચૂંટણીઓ હારી ચૂક્યા છે. પક્ષમાં ચાલી રહેલા આ અંતરકલહને લઈ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ રિસાયેલા-ચૂંટણી હારી ગયેલા આગેવાનો સાથે બેઠક યોજી તેમને મનાવવા માટે પ્રયાસો કરશે. સમગ્ર મુદ્દે મામલો નીપટાવીને પ્રભારીને પણ રિપોર્ટ સબમિટ કરવા માટે દિલ્હી દરબારમાંથી કહેવાયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. દિલ્હીમાં તેમનો બળાપો પ્રભારી સાતવ અને અહેમદ પટેલ સામે ઠાલવાનો મોકો મળ્યો છે. જોકે, આ મામલે રાહુલ ગાંધીએ કોઈ બેઠક કરી નથી. રાહુલ ગાંધી આ બાબતે સ્પષ્ટ હોવાથી તમામ બાબતો પ્રભારી પર છોડી છે. અલ્પેશ ઠાકોર પણ દિલ્હી જઈને આવ્યા છે જેઓને પણ રાહુલ ગાંધીએ કોઈ મુલાકાતનો સમય આપ્યો નથી. આમ દિલ્હી જઈને નારાજ કોંગ્રેસી સાતવ અને અહેમદ પટેલને મળીને પરત આવી રહ્યાં છે. કોંગ્રેસમાં આગામી સમયમાં મોટી નવા જૂની થવાના એંધાણ છે. દિલ્હીમાં સાતવ સાથેની બેઠકમાં બેઠકો જીતવા અંગેનું પ્લાનિંગ થયું છે. જેઓની નારાજગી દૂર કરાશે તેવી ખાતરી અપાઈ છે પણ આગામી દિવસોમાં કોંગ્રેસમાં ભડકો થાય તેવા સ્પષ્ટ એંધાણ છે. ભાજપ પણ અા નારાજ નેતાઓને ભાજપમાં જોડાવાનું ખુલ્લેઆમ આમંત્રણ અાપી ચૂકી છે. અગાઉ પણ ઘણા કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેઓની હાલત પણ જોવાની જરૂર છે. ભાજપ ઉપયોગ કરીને કોંગ્રેસીઓને સાઇડલાઇન કરવામાં માહેર છે. લોકસભાની ચૂંટણી સુધી ભાજપને હાલમાં કોંગ્રેસના કદાવર નેતાઓની ભંગાણ માટે જરૂર છે.