ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 માર્ચ 2019 (12:28 IST)

MOU કર્યા પછી 45 દિવસમાં 1.66 લાખ કરોડના રોકાણના કામ શરૂ કરાવ્યાઃ મુખ્યપ્રધાનનો દાવો

જાન્યુઆરી ૧૮થી ૨૧ દરમિયાન ગુજરાતમાં યોજવામાં આવેલી ગુજરાત વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટમાં મૂડીરોકાણ કરવા માટે કરાર કરનારી ૨૮૬૦૦ પાર્ટીઓમાંથી ૧૭૩૭ પાર્ટીઓએ કુલ મળીને ૧,૬૬,૩૪૭ કરોડના રોકાણ માટેની કાર્યવાહી માત્ર ૪૫ જ દિવસમાં ચાલુ કરી દીધી હોવાનો દાવો આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કર્યો હતો. આ પ્રોજેક્ટના શિલારોપણ, ઉદઘાટન અને ભૂમિપૂજનની કાર્યવાહી તેમણે ગાંધીનગર બેઠાં બેઠાં જ કરાવી હતી.
આજે કુલ ૧૭૩૭ પ્રોજેક્ટમાંથી  ૧૦૩૦ પ્રોજેક્ટના અમલનો આરંભ કરાવાયો છે. જ્યારે ૪૫૯ પ્રોજેક્ટની શરૃઆત માટેના ભૂમિપૂજનની કાર્યવાહી થઈ છે અને તેમાં રૃા.૨૪,૭૪૩ કરોડનું રોકાણ થવાનું છે. તેમાં એમએસએમઈના ૩૪૯ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. વિજય રૃપાણીએ જણાવ્યુ હતું કે અમલીકરણ હેઠળ આવી ગયેલા પ્રોજેક્ટની સંખ્યા ૧૦૩૦ની છે. તેમાં એમએસએમઈના ૩૫૧ પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ મળીને કુલ રૃા. ૧૦૩૦ પ્રોજેક્ટ્સમાં ૧,૦૯,૫૯૩ કરોડના ઇન્વેસ્ટમેન્ટના કામકાજ ચાલુ થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
તેવી જ રીતે એમએસએમઈના ૧૩૪ અને અન્ય ૧૧૪ પ્રોજેક્ટ મળીને ૨૪૮ પ્રોજેક્ટના શિલારોપણની વિધી થઈ ગઈ હોવાની તેમણે જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ હેઠળ કુલ રૃા. ૩૨,૦૧૧ કરોડનું રોકાણ આવ્યું છે. કુલ મળીને ૧૭૩૭ પ્રોજેક્ટ હેઠળ રૃા. ૧,૬૬,૩૪૭ કરોડનું રોકાણ આવ્યું છે. તેમણે આવનારા દિવસોની માગને ધ્યાનમાં લઈને આઈટી અને બીટી સેક્ટરમાં પણ ઇન્નોવેશનની જરૃરિયાતને સાકાર કરવા માટે પગલાં લેવાની જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું હતું કે ગિફ્ટ સિટીમાં ગેસિયાાના સહયોગમાં ટેક્નોલોજીના હબનો આરંભ કરાવવાની જાહેરાત કરી હતી. આ આઈટી પાર્ક શરૃ કરીને તેને એસઈઝેડના લાભ આપવામાં આવશે. આ આઈટી પાર્કના માધ્યમથી તત્કાળ ૧૦,૦૦૦ જેટલી રોજગારી નિર્માણ કરવાનું લક્ષ્યાંક છે. તેને માયે રાજ્ય સરકાર તરફથી રૃા. ૪૦૦ કરોડની પ્રોત્સહન સહાય આપવાની જાહેરાત કરી હતી. તેમ જ બાયોટેકના સેક્ટરમાં રૃા.૩૮૪ કરોડ સીધા લાભાર્થીઓના બૅન્ક એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે ભાજપ સરકાર જે કહે છે તે કરે છે અને જે કરે છે તે જ કહે છે. જોકે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્ણાહૂતિ ટાણે માત્ર ૨૮,૬૦૦ એમ.ઓ.યુ. થયાની જાહેરાત કરીને તમાં કુલ મૂડીરોકાણ કેટલું આવ્યું તેની વિગતો જાહેર કરવાનું ટાળનાર મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આજે જણાવ્યું હતું કે વાઈબ્રન્ટ ગુજરાતમાં એમ.ઓ .યુ. થાય છે, પણ ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી અને રોજગારી જનરેટ થતી નથી તેવા આક્ષેપો થતાં હોવાથી આ વાઈબ્રન્ટ પછી ૧.૧૧ લાખ કરોડના એમ.ઓ.યુ.નું અમલીકરણ ૪૫ દિવસમાં ચાલુ કરી દેવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. અમારા અધિકારીઓએ મહેનત કરીને આ આંકને રૃા. ૧,૬૬,૩૪૭ કરોડની સપાટીએ લઈ જઈને સારી સફળતા મેળવી છે.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટિની સફળતા સામે સવાલ કરનારા મિડિયા સામે અકળાઈ ગયેલા મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આજે વાઈબ્રન્ટ ગુજરાત ૨૦૧૯માં થયેલા એમઓયુમાંથી ૧૭૩૭ એમઓયુના કામ ચાલુ થઈ ગયા હોવાની જાહેરાત કરવાની સાથે સાથે જ સહજ અભદ્ર જણાય તેવી ભાષામાં ટીવીચૅનલોને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે વાઈબ્રન્ટનો વિરોધ કરનારા લુખ્ખાઓને આ સફળતાએ સણસણતો જવાબ આપ્યો છે.
રોજગારી નિર્માણ કરવામાં નાના અને મધ્યમકદના ઉદ્યોગો મોટો ફાળો આપતા હોવાથી તેમને રૃા.૧૧૮૨ કરોડના પ્રોત્સાહનો આપવામાં આવશે. આ જ રીતે ટેક્સટાઈલ સેક્ટરમાં રૃા. ૧૩૦૦ કરોડના પ્રોત્સાહનો આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાંથી ૩૦૦ કરોડના પ્રોત્સાહનો આજે તેના લાભાર્થીઓના ખાતામાં સીધા જમા આપી દીધા છે.