રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 21 જાન્યુઆરી 2019 (12:22 IST)

વાઇબ્રન્ટ સમિટઃ 21 લાખ નોકરીઓનું વચન પણ કેટલુ મૂડીરોકાણ થશે તેનો આંકડો ન આપ્યો

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૯મી આવૃત્તિનું સમાપન થયું છે. ત્રણ દિવસમાં ૨૮,૩૬૦ જેટલા એમઓયુ (મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ-MoU) થયા છે. આવા એમઓયુના અમલીકરણના હયાત આશરે ૭૫ ટકાના દર મુજબ આગામી વર્ષોમાં ૨૧ લાખથી વધુ રોજગારીની તકો ઊભી થશે. જોકે, સમિટના અંતે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી દ્વારા એમઓયુમાં કરાયેલી ઓફર મુજબના મૂડીરોકાણ માટેની કુલ રકમનો આંકડો અપાયો ન હતો. 

સમિટના સમાપન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેલા ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, વિશ્વ ભારત ભણી અને ભારત ગુજરાત ભણી મીટ માંડી બેઠું છે. ઢોકળા, દાંડિયા અને ડાયમંડની ઓળખ ધરાવતાં ગુજરાતમાં હવે, કૌશલ્ય અને સાહસિકતાનો ઉમેરો થયો છે. જ્યારે મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગુજરાતને ગેટ-વે ટુ ધ વર્લ્ડ ગણાવીને કહ્યું હતું કે, હવે, દસેય દિશાઓમાં ગુજરાતની ખ્યાતિ વિસ્તરી છે. ગુજરાત હવે, ઉધોગકારો માટે ગ્લોબલ ઓફિસ બન્યુ છે. આ સમિટ દ્વારા ગુજરાત વિશ્વ સાથે બ્રાન્ડીંગનો નહીં પણ બોન્ડીંગનો નાતો પ્રસ્થાપત કર્યો છે. મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ.કે.દાસે આગામી ૨૦૨૧માં ૧૦મા સમિટમાં ઉપસ્થિત રહેવા તમામને આમંત્રણ પણ આપી દીધું હતું.
ઉપ-રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, માત્ર સંસ્કૃતિના દેશ તરીકે ઓળખાતા ભારતની ઓળખ હવે, સંભાવનાઓના દેશ તરીકે થવા લાગી છે. જ્યારે ગુજરાતની ભૂમિએ અગાઉ મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, મોરારજી દેસાઈ અને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા સપૂતો આપ્યા છે. તેમણે સંબોધનની શરુઆત ગુજરાતીમાં કરીને કહ્યું હતું કે, ગુજરાતીઓ ઉધોગ સાહસિકતા, વ્યાપારી કુશળતા અને મહેનતું સ્વભાવ માટે જાણીતા છે.
વડાપ્રધાન મોદીના પણ તેમણે ભારોભાર વખાણ કરતાં કહ્યું હતું કે, તેમણે ભારતમાં પ્રભાવક સુધારા અને બદલાવની શરુઆત કરી છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ ઓબામાએ તો મોદીને રિફોર્મેશન ચીફ તરીકે ઓળખાવ્યા હતા. મોદીએ જ રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો સિધ્ધાંત આપ્યો છે. ભારતના ૬૫ ટકા વસતિ ૩૫ વર્ષથી નીચેના યુવાનોની છે ત્યારે તેમની આ તાકાત ડેમોગ્રાફીક ડિવિડન્ડ છે. ગુજરાતે વાઇબ્રન્ટ સમિટ કર્યા બાદ હવે અન્ય રાજ્યો પણ તેની સાથે તંદુરસ્ત સ્પર્ધા કરવા લાગ્યા છે.