શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 જૂન 2018 (12:56 IST)

વોટર ઇન્ડેક્સમાં ગુજરાત ફર્સ્ટ: અન્ય રાજ્યોને સીએમ રૂપાણીનું આમંત્રણ

નીતિ આયોગે તાજેતરમાં ગુજરાતના જળવ્યવસ્થાપન અને વોટર ગ્રીડ પ્રોજેક્ટના અસરકારક અમલીકરણથી પ્રભાવિત થઇને સમગ્ર દેશમાં કોમ્પોઝીટ વોટર ઇન્ડેક્સની દૃષ્ટીએ ગુજરાતને પ્રથમ ક્રમ આપ્યો છે. તેની સાથોસાથ ગુજરાતમાં એક મહિના સુધી ચાલેલા જળસંચય અને જળસંગ્રહના એક અનોખા કાર્યક્રમની સફળતાને જમીન પર નિહાળવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નીતિ આયોગની બેઠકમાં ઉપસ્થિત દેશના તમામ રાજ્યોને અહીં આવવા માટે આમંત્રણ આપ્યું હતું. રૂપાણીએ મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતિની મોટાપાયે ઉજવણી કરવાની જાહેરાત પણ કરી હતી.
 રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની ચોથી બેઠકમાં રૂપાણીએ એક મહિના સુધી ચાલેલા સુજલામ સુફલામ જળસંચય અભિયાનની વિગતો પ્રસ્તુત કરી હતી. રૂપાણીએ કહ્યું કે, ૧૨,૦૦૦ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં આને લીધે વધારો થશે. ૩૨ નદીઓ પુનર્જિવિત થઇ શકશે. તેર હજારથી વધારે ચેકડેમો, ખેતતલાવડીઓ ઊંડી કરવામાં આવી છે.
 રૂપાણીએ ગુજરાતમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના રૂ.૩ લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારોને રૂ.૩ લાખ સુધીની આરોગ્ય સુવિધાઓ કેશલેસ આપવાની યોજનાની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, કેટલીક બીમારીઓમાં રૂ.૫ લાખ સુધીનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ સંજોગોમાં કેન્દ્ર સરકારે અમલી બનાવેલી પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા મિશન હેઠળની યોજનાને ‘મા' યોજના સાથે સાંકળીને કેવી રીતે અમલી બનાવી શકાય તેના પર કામ કરવામાં આવી રહ્યું છે.
તેમણે પાછલા દોઢ દશકમાં ગુજરાતના કૃષિ વિકાસદરમાં ડબલ ડિજીટમાં વૃદ્ધિ થઇ છે એમ કહી ઉમેર્યું હતું કે, જીએનએફસી અને જીએસએફસી જેવી ફર્ટિલાઇઝર કંપનીઓએ ખેડૂતોને ખાતરના મર્યાદિત ઉપયોગથી વધુ પાક માટે સભાન કર્યા છે તેના પરિણામો સારા મળી રહ્યા છે. એની સાથોસાથ માઇક્રો ઇરિગેશન માટે સહાયના ધોરણો વધાર્યા છે તેથી ખેત ઉત્પાદન વધ્યું છે. સામાન્ય અને સીમાંત ખેડૂતોને 70 ટકા અને અનુસૂચિત જાતિ-જનજાતિના ખેડૂતોને 85 ટકા સુધી આર્થિક મદદ આપવામાં આવે છે.