શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 18 જૂન 2018 (12:34 IST)

રાધનપુરના ડાયરામાં અલ્પેશ ઠાકોરે નોટોનો વરસાદ કરતાં વિવાદ વકર્યો

સોશિયલ મીડિયામાં રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અને ઓબીસી એકતા મંચના આગેવાન અલ્પેશ ઠાકોર નોટોનો વરસાદ કરતા જોવા મળી રહ્યા છે.  અલ્પેશ ઠાકોરે આ મામલે પોતાના બચાવમાં કહ્યું કે એક સારા કામ માટે તેણે 10-10 રૂપિયાની નોટો ઉડાવી હતી. માહિતી મુજબ ડાયરામાં અલ્પેશ ઠાકોરે કુલ 25 હજાર અને અન્ય લોકોએ 11 લાખ રૂપિયા ઉડાડ્યા હતા. શનિવારે રાત્રે પાટણ જિલ્લાના રાધનપુરમાં આવેલી સદારામ કુમાર છાત્રાલયમાં ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોર સહિત અન્ય કેટલાક કોંગ્રેસી નેતાઓએ ભાગ લીધો હતો. અલ્પેશ ઠાકોરની નજીકના સૂત્રોએ જણાવ્યું કે રાધનપુરમાં ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની હોય ફંડ ભેગું કરવા માટે આ ડાયરો યોજવામાં આવ્યો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રમુખ અમિત ચાવડા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.  અલ્પેશ ઠાકોરે કહ્યું કે તે રિઝર્વ બેંકની માર્ગદર્શિકાથી પરિચિત છે અને ઉમદા કામ માટે તેમણે સ્ટેજ પર રૂપિયા ઉડાડ્યા હતા. અલ્પેશ ઠાકોરે કહ્યું કે “લોકોએ પોતાની પ્રતિષ્ઠા વધારવાના ઉદ્દેશ્ય સાથે પૈસા ઉડાડ્યા, જ્યારે મેં  છોકરીઓના એજ્યુકેશન માટે આવું કર્યું હતું. આ ઘટનાના શું પરિણામ આવશે તેનાથી હું વાકેફ હતો. વધુમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે “સારા કામ માટે રૂપિયા વપરાશે તેથી મને આ મામલે વિવાદ થાય તો પણ કંઈ વાંધો નથી. મેં 10-10 રૂપિયાની નોટ જ સ્ટેજ પર ઉડાવી હતી, એ સમયે આ ઈવેન્ટમાં 15 જેટલા ધારાસભ્યો હાજર હતા.” અમિત ચાવડાએ કહ્યું કે “અલ્પેશ ઠાકોરે નોટ ઉડાવી ત્યારે જ હું ડાયરો છોડીને જતો રહ્યો હતો. ડાયરાનો ઉદ્દેશ્ય સારો હતો પણ નોટનો વરસાદ કરવામાં આવ્યો તે યોગ્ય ન હતું.”