શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 જુલાઈ 2021 (15:00 IST)

ભાજપની જેમ અમે કોઇને દબાવતા નથી, નિખિલ સવાણીને જ્યાં જવું હોય ત્યાં જઇ શકે છે: હાર્દિક પટેલ

શહેરમાં હાલ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત સભ્ય નોંધણી અભિયાન હેઠળ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ રાજકોટમાં આવ્યા હતા. આ અંગે તેમણે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જ્યાં હાર્દિક પટેલે PM નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, મોદી સરકારની જેમ અમે કોઇને ધમકાવીને અને દબાવીને નથી રાખી શકતા. નિખિલ સવાણી હાલ આમ આદમી પાર્ટીમાં ગયા છે તેનાથી કોંગ્રેસને કંઈ ફેર નથી પડતો. તેમને જ્યાં જવું હોય ત્યાં જઇ શકે છે. કોંગ્રેસ પર આમ આદમી પાર્ટીની નજર છે. પરંતુ અમારા કરતા તો ભાજપના વધુ ઉમેદવારો 'આપ'માં ગયા છે.

વધુમાં ભાજપ પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે, નારાજ મતદારો વિરોધપક્ષ કોંગ્રેસમાં ન જાય. એટલા માટે આમ આદમી પાર્ટીને ઉભી કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીને મત મળે અને કોંગ્રેસ સત્તામાં ન આવે તે માટે આ ભાજપનું ષડયંત્ર છે.પરંતુ આવતી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 125 બેઠક પર જીત મેળવશે તેનો મને વિશ્વાસ છે.વધુમાં મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,આ પહેલા 2015ની ચૂંટણીમાં માત્ર પાટીદાર સમાજ ભાજપથી નારાજ હતો પરંતુ આ વર્ષે તમામ સમાજ ભાજપથી નારાજ છે. વિપક્ષ કામ કરે છે પરંતુ જનતાએ સાથે આવી સહકાર આપવો જોઇએ. પ્રજાનો અવાજ અને ફરિયાદ સાંભળવા અમે કાર્યરત છીએ.કોંગ્રેસમાં હાલ યુથ કોંગ્રેસની ટીમ મજબુત બની છે. અને આજે ઓનલાઇન મેમ્બર શીપનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ અભિયાન 20 જુલાઇથી 20 ઓગસ્ટ સુધી ચાલુ રાખવામાં આવશે.કોંગ્રેસ યુવાનોને આગળ લાવવા માટે હરહંમેશ પ્રયાસ કરી રહી છે. હવે ગુજરાતના નેતૃત્વનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે. પંજાબમાં નિર્ણય લેવાયો બાદમાં ગોવા અને પછી ગુજરાત અંગે નિર્ણય લેવામાં આવશે.