કચ્છના નલિયામાં સિઝનની સૌથી વધુ ઠંડી, 3.4 ડીગ્રી તાપમાન થયું
નલિયામાં 3.4 ડિગ્રી સાથે મધરાત્રે ગાત્રો ગાળી નાખે તેવી ટાઢ પડતાં અબોલ જીવો તેમજ ઉપર આભ અને નીચે ધરતી જેવી હાલતમાં રહેતા લોકો દયનીય પરિસ્થિતિમાં મુકાયા હતા. કચ્છભરમાં મહત્તમ તાપમાન વધવાની સાથે પવનની ઝડપ પણ ઘટી જતાં દિવસે ઠંડીમાં રાહત રહી હતી.છેલ્લા કેટલાક સમયથી એક આંકમાં નીચા તાપમાન સાથે ઠરી રહેલા નલિયામાં પારો 2.4 ડિગ્રી નીચો સરકીને 3.4 ડિગ્રી રહેતાં ચાલુ શિયાળાની સૌથી વધુ ઠંડી અનુભવાઇ હતી.
દાંત કચકચાવતા ઠારને પગલે સવારે પણ લોકો તાપણુ કરવા મજબૂર બન્યા હતા. મહત્તમ ઉષ્ણતામાન 4 આંક વધીને 24.4 ડિગ્રી રહેતાં મધ્યાહ્ને રાહત રહી હતી. રાજ્યમાં ત્રીજા ક્રમે રહેલા ભુજમાં 8.7 ડિગ્રી સાથે ઠારનો માર યથાવત રહ્યો હતો. જો કે, પવનની ગતિ ઘટીને સરેરાશ કલાકના 3 કિલો મીટર જેટલી રહેવા ઉપરાંત ઉંચું તાપમાન 23.6 ડિગ્રી રહેતાં બપોરે તડકો આકરો લાગ્યો હતો. કંડલા પોર્ટ અને કંડલા એરપોર્ટ પર અનુક્રમે 9.2 અને 9.6 ડિગ્રી જેટલા નીચા ઉષ્ણતામાન સાથે સૂર્યાસ્ત થતાં જ ઠંડીનું સામ્રાજ્ય છવાયેલું રહ્યું હતું. મહત્તમ 25.1 અને 22.9 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે-ત્રણ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી હતી.