મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 22 ઑક્ટોબર 2018 (12:42 IST)

અપૂરતા વરસાદને કારણે કચ્છ, ઉત્તર ગુજરાતમાં ૪૦%થી ઓછા જળસ્તરથી ચિંતાના વાદળો ઘેરાયા

દિવાળી હજુ આવી પણ નથી તે અગાઉ ગુજરાતના કેટલાક જળાશયોની વિકટ સ્થિતિ સામે આવી રહી છે. સાધારણ વરસાદને પગલે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં અત્યારથી જ સાધારણ સ્થિતિ છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૧૩.૬૬ ઈંચ સાથે ૩૮.૬૦% જ્યારે કચ્છમાં ૪.૩૭ ઈંચ સાથે ૧૩.૪૨% જળસ્તર છે. આ ઉપરાંત કુલ ૧૩ જળાશયો ખાલીખમ છે. આ પરિસ્થિતિમાં મે મહિના સુધી જળસંકટ કેવું ઘેરું બની શકે છે તે બાબત ચિંતાના વાદળો ઘેરા કરે તેવી છે.
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં આ વખતે ૨૫.૦૯ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૭૬.૭૨% વરસાદ પડયો છે. જોકે, વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારું જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાતમાં નબળું રહ્યું છે. જે જળાશયો સંપૂર્ણ ખાલીખમ છે તેમાં કચ્છના સૌથી વધુ પાંચ છે.
આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ૨૩.૯૨%, મહેસાણામાં ૩૨.૭૨%, સાબરકાંઠામાં ૪૧.૯૨%, અરવલ્લીમાં ૬૯.૮૧% જળસ્તર છે. રાજ્યના કુલ ૨૦૩ જળાશયોમાંથી ૧૯ સંપૂર્ણ ભરાયા છે. જેમાં ઉત્તર ગુજરાતના ૨, મધ્ય ગુજરાતના ૭, દક્ષિણ ગુજરાતના ૬ જ્યારે સૌરાષ્ટ્રના ૪ એમ કુલ ૧૯ જળાશયોનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ૬૭.૨૪% જળસ્તર છે. મધ્ય પ્રદેશમાં પડેલા સારા વરસાદે સરદાર સરોવર ડેમની સપાટી વધારવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે.
જે જિલ્લાના જળાશયોમાં સૌથી ઓછું જળસ્તર છે તેમાં કચ્છ ઉપરાંત ૪.૪૯% સાથે દેવભૂમિ દ્વારકા, ૭.૭૯% સાથે બોટાદ, ૧૩.૭૯% સાથે મોરબી, ૧૬.૩૫% સાથે ખેડા, ૨૧.૨૮% સાથે જામનગરનો સમાવેશ થાય છે. તજજ્ઞાોના મતે જે જિલ્લાઓમાં વરસાદ ઓછો પડયો છે ત્યાં આગામી ફેબુ્રઆરીથી જ જળસંકટ સર્જાવવાનું શરૃ થઇ શકે છે.