રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 30 એપ્રિલ 2018 (14:19 IST)

ગુજરાતની ચૂંટણી સમયે રાહુલ ગાંધીને ભેટીને ચર્ચામાં ચડેલા મહિલા પ્રોફેસરને હજુય નથી મળ્યો ન્યાય

અમદાવાદની રાષ્ટ્રભાષા કોલેજમાં સંસ્કૃતના પાર્ટ-ટાઈમ પ્રોફેસર રહી ચૂકેલા રંજના અવસ્થી વિધાનસભા ચૂંટણી વખતે નિકોલ વિસ્તારમાં પ્રચાર માટે આવેલા રાહુલ ગાંધીને ભેટી ધ્રુસ્કે-ધ્રુસ્કે રડ્યાં હતાં. રાહુલે તેમને પોતાનાથી બનતી મદદ કરવાની પણ ખાતરી આપી હતી, જોકે આજ દિન સુધી તેમની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો.રાહુલને મળી ચર્ચામાં આવેલા રંજના અવસ્થી વિશે તત્કાલિન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ખાતરી આપી હતી કે, ફિક્સ પે સ્કીમ હેઠળ તમામ પ્રોફેસરોની લાયકાત ધ્યાનમાં લઈ ભરતી કરાશે.

જોકે, રંજના અવસ્થી 22 વર્ષ સુધી હંગામી પ્રોફેસર તરીકે કામ કરી ચૂક્યા છે. અને હવે જો 52 વર્ષની ઉંમરે તેઓ ફિક્સ પગારમાં નવેસરથી નોકરી શરુ કરશે તો તેમને પેન્શન સહિતના એકેય સરકારી લાભ નહીં મળે. નવેસરથી નોકરી શરુ કરવા પર તેમને દર મહિને ફિક્સ 40,000 રુપિયા પગાર મળશે. સરકાર તેમના જેવા 122 પીએચડી ડીગ્રી ધારક પાર્ટટાઈમ પ્રોફેસરની ભરતી કરવાની છે. જેમાંથી 73ને ઓર્ડર મળી ચૂક્યા છે, પરંતુ તેમના સહિત 48 લોકોને હજુય પોસ્ટિંગ પણ નથી મળ્યું. રંજના અવસ્થીનું કહેવું છે કે, ચૂંટણી પહેલા વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી. જોકે, ચૂંટણી પછી તેમને ફરી બોલાવાયા, અને કહેવાયું હતું કે તેમને પોતાની માર્કશિટ વેરિફાય કરાવવી પડશે. પહેલા રાઉન્ડમાં આ વાત કેમ ન કરાઈ તે સવાલ ઉઠાવતા તેઓ જણાવે છે કે, તેમને માર્કશિટ વેરિફિકેશન માટે કાનપુર યુનિ.નો સંપર્ક કરવો પડે. ચૂંટણી વખતે રાહુલ સાથે મુલાકાત બાદ રંજના અવસ્થીએ કહ્યું હતું કે,, ‘હું અમારી મુશ્કેલી માટે મુખ્યમંત્રી વિજય રુપાણીથી લઇને ડે. સીએમ નીતિન પટેલ અને શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહને પણ મળી છું પરંતુ તે લોકોએ ફક્તને ફક્ત રાહ જોવડાવ્યા સિવાય કશું કર્યું નથી. હું થાકી અને હારી ગઈ હતી પરંતુ જ્યારે રાહુલ ગાંધીને મળી તો મારાથી રહી શકાયું નહીં અને હું એકદમ રડી પડી.