ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 24 ઑગસ્ટ 2018 (12:08 IST)

વાયરલેસ સોનોગ્રાફી મશીન દ્વારા ગર્ભનું પરીક્ષણ કરાતું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો

હાલ આધુનિક ઉપકરણોનો ઉપયોગ વધતો જાય છે. ત્યારે સૌ-પ્રથમ વાયરલેસ સોનોગ્રાફી મશીન દ્વારા ગર્ભનું પરીક્ષણ કરાતું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગેરકાયદે ભ્રૂણનું જાતિય પરીક્ષણ કરી આપનાર મહિલા સહિત ચારની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે ચોટીલાની મણીરત્ન હોસ્પિટલની સંચાલીકા રમા મુળુભાઇ બડમલિયા, રાજકોટના મહેશ મનુભાઇ રાઠોડ, નિતેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ સોલંકી અને હરેશ ગોરધનભાઇ કારિયાની ધરપકડ કરવામાં આવી હતી.ચોટીલાની મણીરત્ન હોસ્પિટલની સંચાલીકા રમા બડમલિયા દ્વારા વાયરલેસ સોનોગ્રાફી મશીન દ્વારા રાજકોટના રૈયા રોડ પર સગર્ભાના પેટમાં દીકરો કે દીકરી છે તેનું ગેરકાયદે પરીક્ષણ કરી આપવામાં આવતુ હોવાની ચોકકસ બાતમી મળી હતી. આ હકિકતના આધારે સીપી અગ્રવાલ અને કલેકટર ગુપ્તાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના એસીપી સરવૈયા, ઇન્સ. હિતેષદાન ગઢવી, સબ ઇન્સ. અતુલ સોનારાએ બ્રાંચના મહિલા કોન્સ. મિતાલી હિતેન્દ્રભાઇ ઠાકરને સાથે રાખીને છટકુ ગોઠવ્યું હતું. આ છટકા પ્રમાણે મહિલા પોલીસ મિતાલી ઠાકરે મોબાઇલ ફોન પર સંપર્ક સાધ્યો હતો. તેને ભ્રૂણ પરીક્ષણ માટે રૈયા રોડ પર દ્વારકેશ પાર્ક પાસે પ્રભુ રેસીડન્સીમાં આવેલ શ્રીમદ્ ભગવદ ગીતા નામના મકાન પર આવી જવા જણાવાયું હતું. સરનામુ મળતા જ પોલીસ કાફલો જિલ્લા આરોગ્ય શાખાના અધિકારી એમ.એન. ભંડેરી, જુલીબહેન મણિયાર વગેરેને સાથે રાખીને એ મકાન પર દરોડો પાડયો હતો.દરમિયાન મકાનમાં વાયરલેસ સોનોગ્રાફી મશીન દ્વારા ભ્રુણ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું અને ચોટીલાની મણીરત્ન હોસ્પિટલની સંચાલીકા રમા બડમલિયા દ્વારા પરીક્ષણ કરી આપવામાં આવતુ હોવાનું માલુમ પડયું હતું. આથી લેટેસ્ટ ટેકનોલોજીનું બનેલુ વાયરલેસ સોનોગ્રાફી મશીન, તેની સાથે જોડાયેલ આઇપેડ વગેરેને સીલ મારીને કબજે કરાયા હતાં. હોસ્પિટલની સંચાલીકા રમા બડમલિયાની અટકાયત કરવામાં આવી હતી. તેની પાસે કોઇપણ જાતની ડિગ્રી પણ ન હોવાનું ખુલ્યું હતું.ગેરકાયદે જાતિ પરીક્ષણનું કૌભાંડ પકડી પાડવામાં ડમી ગ્રાહક બનીને છટકુ સફળતાપૂર્વક પાર પાડનાર ક્રાઇમ બ્રાંચની મહિલા કોન્સ્ટેબલ મિતાલી ઠાકરને રૂ. 3 હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું. બેટી બચાવ અભિયાન હેઠળ ભ્રૂણની હત્યા થતી રોકવા અને ગેરકાયદે ભ્રૂણ પરીક્ષણ કરનાર સામે કાર્યવાહી કરનાર ક્રાઇમ બ્રાંચની ટીમને રૂ. 15 હજારનું ઇનામ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે આપ્યું હતું. સગર્ભાની કૂખમાં ઉછરી રહેલા ભૃણના જાતિય પરીક્ષણ માટે સોનોગ્રાફી મશીન વાપરવામાં આવે છે. આ મશીન દ્વારા ભ્રૂણ દીકરો છે કે દીકરી તે જાણી શકાય છે. આ મશીન ઇલેકટ્રીક લાઇન સાથે જોડાઇને કામ કરે છે અને તેના માટે ટીવી જેવા ઉપકરણની જરૂરિયાત હોય છે. હવે લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઇ છે. જે મુજબ સ્માર્ટ ફોન, આઇપેડમાં સોફટવેર ડાઉનલોડ કરીને વાયરલેસ સોનોગ્રાફી મશીન બનાવવામાં આવ્યું હતું.