શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By હેતલ કર્નલ|
Last Modified: મંગળવાર, 13 ડિસેમ્બર 2022 (10:13 IST)

રાદડિયાનું પત્તું કાપી ભાનુબેન બાબરિયાએ બનાવ્યા મંત્રી, કેબિનેટમાં એકમાત્ર મહિલા મંત્રી

પાટીદાર ચહેરો ભૂપેન્દ્ર પટેલે સોમવારે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેઓ 16 મંત્રીઓ સાથે ગુજરાતનો હવાલો સંભાળશે. હાલ તેમની કેબિનેટની ચર્ચા ચાલી રહી છે. મંત્રીપદ કોને મળ્યું તેના કરતાં કોને મંત્રીપદ ન મળ્યું તેની વધુ ચર્ચા છે. કેબિનેટમાં એકમાત્ર મહિલા મંત્રીએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. નવા મંત્રીમંડળમાં એકમાત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર અને એસસી ભાનુબેન બાબરિયાએ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. એવામાં સ્થિતિમાં લોકો આ મહિલા મંત્રી વિશે જાણવા માંગે છે.
 
ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય છે અને બીએ, એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે
સતત બીજી મુદત માટે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય તરીકે ચૂંટાયા, 2012માં પ્રથમ વખત રાજકોટ ગ્રામ્યમાંથી ધારાસભ્ય બન્યા. 2019માં રાજકોટ વોર્ડ નંબર એકમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા.
 
પરિવારનું રાજકીય સંબંધ
બીજી તરફ ભાનુબેન બાબરીયાનો પરિવાર રાજકીય ભૂતકાળ ધરાવે છે. ભાનુબેન બાબરીયાના સસરા મધુભાઈ બાબરીયા પણ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય હતા. તો ભાનુબેન બાબરીયાના પતિ મનહરભાઈ બાબરીયા પણ ભાજપના સક્રિય નેતા છે. એક મજબૂત પારિવારિક પૃષ્ઠભૂમિ ધરાવતી હોવાથી તે સતત બીજી ટર્મ માટે રાજકોટ ગ્રામ્ય અનામત બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે.
 
રાદડિયાનું પત્તું કપાયું
ભાનુબેન બાબરીયાને મંત્રીપદ મળ્યું અને જયેશ રાદડીયાને સૌથી મોટો ફટકો પડ્યો છે. કારણ કે, સૌરાષ્ટ્રમાંથી જયેશ રાદડિયાનું મંત્રીપદ કપાયું છે. જયેશ રાદડિયા નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની કેબિનેટમાં મંત્રી રહી ચૂક્યા છે. જયેશ રાદડિયાની અચાનક હકાલપટ્ટીના કારણે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. ભૂપેન્દ્ર પટેલની સરકારના કુલ 16 મંત્રીઓએ શપથ લીધા છે. જેમાં સૌરાષ્ટ્રના 5 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. દક્ષિણ ગુજરાતના 5 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. જ્યારે મધ્ય ગુજરાતમાંથી 3 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. ઉત્તર ગુજરાતના 3 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ રીતે રાજ્યપાલ દ્વારા કુલ 16 નેતાઓને શપથ લેવડાવવામાં આવ્યા છે.