Last Modified: ગુરુવાર, 1 ડિસેમ્બર 2016 (17:02 IST)
વિશ્વ એઈડ્સ ડે- ગાંધીનગર જિલ્લામાં એેઇડ્સના બે હજારથી વધુ દર્દીઓ
ગાંધીનગર જિલ્લામાં એઇડસ સામે જાગૃતિ લાવવા થઇ રહેલા અનેકવિધ પ્રયાસો વચ્ચે એચઆઇવી પોઝિટિવ ધરાવતા દર્દીઓની સંખ્યા બે હજારથી પણ વધુ થઇ ગઇ છે. એચઆઇવી પોઝિટિવના દર્દીઓમાં કોઇ નોંધપાત્ર ઘટાડો થતો નથી. ત્યારે છેલ્લા આઠ મહિનામાં ગાંધીનગર જિલ્લામાં ૨૬ હજારથી વધુ દર્દીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૯ સર્ગભા ઉપરાંત અન્ય ૧૩૮ દર્દીઓને એચઆઇવી પોઝીટીવ હોવાનું સાબિત થયું છે. ગુજરાત સ્ટેટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીએ ગાંધીનગર ને 'ડી' કેટેગરીમાં મુક્યું છે ગાંધીનગર જિલ્લામાં એચઆઇવી એઇડસની કામગીરી ગ્રામ્ય વિસ્તારમાં સઘન રીતે હાથ ધરવા ડિસ્ટ્રીક્ટ એઇડ્સ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ યુનિટની રચના કરવામાં આવેલી છે.આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં સાત સંકલિત સંપરામર્શ અને પરીક્ષણ કેન્દ્ર કાર્યરત છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં માતા-પિતાથી બાળકને સંક્રમિત થતા રોગોને અટકાવવા ગર્ભવતી મહિલાઓ માટે પી.પી.ટી.સી.ટી. કાર્યરત છે. જ્યારે દર્દીને દવા લેવા માટે એ.આર.ટી. સેન્ટર પર જવું ના પડે અને નિયમિતતા જળવાય તે હેતુથી લિન્ક એ.આર.ટી. શરૃ કરવામાં આવેલા છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં ૨૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો,૯ સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત સાત ટ્રસ્ટના દવાખાના તેમજ સિવિલ હોસ્પિટલમાં બે જગ્યાએ મળી કુલ ૪૬ જગ્યાએ એચઆઇવી એઇડ્નું પરીક્ષણ થયા છે. ત્યારે ગાંધીનગર જિલ્લાને ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થાની ગાઇડલાઇન પ્રમાણે 'ડી' કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. જે પ્રમાણે જિલ્લામાં સગર્ભાઓમાં પોઝિટીવનો રેસિયો ૦.૫ હોવા જોઇએ તેના કરતા પણ ઓછો હાલ ગાંધીનગર જિલ્લામાં છે. ગાંધીનગર જિલ્લામાં છેલ્લા આઠ મહિના દરમિયાન કુલ ૧૪ હજાર જેટલી સગર્ભાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૯ ગર્ભવતીઓ પોઝિટિવ નીકળી હતી.આ ઉપરાંત અન્ય સેન્સેટીવ ગણાતા વિસ્તારમાં તેમજ અન્ય દર્દીઓ મળીને છેલ્લા આઠ મહિનામાં ગાંધીનગર જિલ્લામાંથી કુલ ૧૨ હજાર જેટલાં દર્દીઓનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૧૩૮ દર્દીઓને એચઆઇવી પોઝિટીવ હોવાનું બહાર આવ્યું હતું.આમ,છેલ્લા આઠ મહિના દરમિયાન જ ૧૪૭ પોઝિટીવ કેસ મળી આવ્યા છે. જેમને હાલ એઆરડીની દવા આપવાની કામગીરી ચાલી રહી છે.એઇડ્સ કંટ્રોલ સોસાયટી પાસેથી મળતી માહિતી પ્રમાણે,ગાંધીનગર જિલ્લામાં કુલ ૩,૧૬,૯૬૭ ટેસ્ટ અત્યાર સુધી કરવામાં આવ્યા છે. જેમાંથી ૨,૪૧૧ એચઆઇવી પોઝિટિવ કેસ ઓક્ટોબર ૨૦૧૬ સુધી મળી આવ્યા આવ્યા છે. તી રીતે જોવા જઇએ તો બે હજારથી વધુ પોઝિટિવ કેસ છે પરંતુ તેમાંથી કેટલાકના મૃત્યુ થવાને કારણે તેમજ કેટલાક બીજા જિલ્લાના હોવાને કારણે હાલ બે હજાર જેટલા પોઝિટિવ કેસ ગાંધીનગર જિલ્લામાં છે તેમ કહી શકાય.ત્યારે આજે વિશ્વ એઇડ્સ દિવસ છે ત્યારે આ એઇડ્સ સામે જનજાગૃતિ જ આ એચઆઇવી એઇડ્સ જેવી જીવલેણ બીમારીને ફેલાતી અટકાવી શકાય.કુલ પોઝિટિવ કેસમાં સંભોગને કારણે એઇડ્સ થવાની શક્યતાઓ વધુ છે ત્યારે સુરક્ષીત સેક્સ એ પણ આ બીમારીને અટકાવવા માટે ખુબ જ જરૃરી છે.