ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: વડોદરા , શુક્રવાર, 21 મે 2021 (19:32 IST)

કોરોનાએ નવદંપતિનો સંસાર શરૂ થતા પહેલા જ વિખેરી નાખ્યો, લગ્નના 13માં દિવસે જ નવવધુએ પતિની છત્રછાયા ગુમાવી

કોરોના મહામારીમાં કેટલાય લોકોના પરિવારનો માળા વિખેરાયા છે. વડોદરા નજીક કરજણમાં કોરોનાને કારણે નવયુગલનો સંસાર માત્ર 13 દિવસમાં વિખેરાઇ ગયાનો દુઃખદ કિસ્સો સામે આવ્યો છે. કરજણમાં રહેતા યુવક કોરોના પોઝીટીવ થયાનું નિદાન લગ્નના બીજા દિવસે થયું હતું. ત્યાર બાદ સારવાર દરમિયાન તેનું મોત 
નિપજતા નવયુગલનો સંસાર શરૂ થાય તે પહેલા જ વિખેરાઇ ગયો હતો.
 
આ કરુણ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે કરજણ તાલુકામાં રહેતા જયેશ (નામ બદલ્યું છે) નામના યુવાનનું મે માસના પ્રથમ સપ્તાહમાં તાલુકાના એક ગામની સંગીતા (નામ બદલ્યું છે) યુવતી સાથે ધામધૂમથી થયું હતું. સોનેરી સ્વપ્નો સાથે નવ દંપતિ જયેશ અને સંગીતા સાંસારીક જીવનની શરૂઆત કરે તે પહેલાં લગ્નના બીજા દિવસે જયેશને શ્વાસ લેવામાં તકલિફ થતાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તબીબોએ જયેશનો કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવ્યો હતો. 
 
જયેશનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા પત્ની સંગીતા સહિત પરિવારજનો ચિંતાતૂર બની ગયા હતા.  
કોરોનાનો ભોગ બનેલા જયેશને શ્વાસની તકલિફ વધી જતાં તેણે  સારવાર માટે વડોદરાના અટલાદરા ખાતે આવેલ કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન જયેશને શ્વાસની તકલીફોમાં વધારો થતા તેને વધુ સારવાર અર્થે ગોત્રી મેડીકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વેન્ટીલેટર પર રાખીને તેની સારવાર ચાલુ કરવામાં આવી હતી. પરંતુ, 13 દિવસની ઘનિષ્ઠ સારવાર દરમિયાન 
ગોત્રી કોવિડ હોસ્પિટલના બિછાને જયેશે અંતિમ શ્વાસ લઇ લીધા હતા. 
 
અંખડ સૌભાગ્યવતીના આશિર્વાદ લઇને આવેલી સંગીતાને પતિ જયેશના અવસાનના સમાચાર મળતાજ તે સ્તબ્ધ બની ગઇ હતી. તે સાથે પરિવારજનો પણ ઘેરા શોકમાં ઘરકાવ થઇ ગયા હતા. હાથની મહેંદી ઉતરી ન હતી ત્યાંજ સંગીતાએ પતિ જયેશની છત્રછાયા ગુમાવી દેતા પરિવાર સહિત ગામમાં સન્નાટો વ્યાપી ગયો છે. અને ગામમાં આ કિસ્સો ચર્ચાના કેન્દ્ર  સ્થાને છે. અનેક પરિવારોની ખૂશીઓ છીનવી લેનાર કોરોના મહામારીની બીજી લહેરે ગામડાઓને પણ પોતાના ભરડામાં લીધા છે. અનેક ગામોમાં કોરોનાના કારણે અનેક લોકોના મોત નીપજ્યાં છે. કેટલાંક ગામોના પરિવારમાં કોઇ પતિ ગુમાવ્યો છે તો કોઇએ પત્ની, તો કોઇએ પુત્ર તો કોઇ દીકરી ગુમાવી છે. કોરોનાની કાળ મુખી મહામારી હજુ કેટલાનો ભોગ લેશે તે કહેવું હાલના તબક્કે અશક્ય છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય હાલ કોરોનાની મહામારીના કટોકટી ભર્યા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. તેવા સમયે તમામ લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે અને વેક્સીન મુકાવે તે જરૂરી છે. કોરોના સામેની નાની અમથી પણ બેદરકારી જીવલેણ સાબિત નિવડી શકે છે. કોરોના સામે લડવા માટે તમામ લોકો કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરે તે જરૂરી છે.