સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (11:48 IST)

સુરતમાં માસૂમ બાળકી દુષ્કર્મ કરનારને કોર્ટે ફાંસીની સજા સંભળાવી

સુરતના લિંબાયત વિસ્તારમાં 3 વર્ષની માસૂમ બાળકી સાથે નરાધમ કૃત્ય કરનારને કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. સુરતની સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવતા દુષ્કર્મ અને હત્યાના આરોપી અનિલ યાદવને ફાંસીની સજા સંભળાવી હતી. 15-10 2018ના રોજ ગુનો કરનાર આરોપી ભાગીને બિહાર જતો રહ્યો હતો. બાદમાં પોલીસે આરોપીને બિહારથી ઝડપી લીધો હતો. ચકચારી કેસમાં ગુજરાત સરકારે કેસ ઝડપી ચલાવવા તાકીદ કરી હતી. કોર્ટે 35 સાક્ષીઓ,મેડિકલ પુરાવવા,FSL પુરાવવા,સીસીટીવી ફૂટેજ વગેરે પુરાવવાના આધારે ફાંસીની સજા સંભળાવી હતી. બાળકીની માતાએ પણ ચુકાદાને આવકાર્યો હતો અને દીકરીને ન્યાય મળ્યાની લાગણી વ્યક્ત કરી હતી.
ગોડાદરામાં રહેતો આરોપી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો. અને માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાંખી હતી અને બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો. સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના રૂમમાંથી મળી આવી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારના આદેશને પગલે સ્પિડ ટ્રાયલનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 
જે તે સમયે સરકારે તો બે જ અઠવાડિયામાં કેસના નિકાલનો આદેશ કર્યો હતો.રેપ અને હત્યા બાદ બાળકીની લાશ કોથળામાં ભરીને પોતાના ઘરમાં જ રાખ્યા બાદ સોસાયટીમાં બાળકીના માતા-પિતા અને અન્યો સાથે આરોપી અનિલ બાળકીને શોધવાનો ઢોંગ કરતો હતો.376ના કેસમાં તાજેતરમાં જ સુધારો કરાયો છે. જેથી બાળકીઓ પરના બળાત્કારના કેસમાં ફાંસી થઈ શકે છે. જેને પગલે આ કેસમાં બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર આરોપી અનિલ યાદવને ફાંસીની સજા કરવામાં આવી હોવાનું વકીલે જણાવ્યું હતું.ચકચારી દુષ્કર્મ બાદ હત્યા કેસનો ચુકાદો માત્ર નવ મહિના જેટલા સમયમાં જ ચાલી ગયો હતો. 289 દિવસમાં આરોપીને તકસીરવાર ઠેરવીને આરોપીને કોર્ટે ચુકાદો સંભળાવી દીધો હતો.કોર્ટની ઝડપી કાર્યવાહીથી પણ બાળકીને ન્યાય મળ્યો હોવાનું તેમના વાલીઓએ જણાવ્યું હતું.